કોંગ્રેસ નેતા મનિષ તિવારીના પુસ્તકથી હોબાળો

૨૬/૧૧ હુમલા મુદ્દે કોંગ્રેસની નિર્ણય શક્તિ પર સવાલો ઉઠ્યા
નવી દિલ્હી, કોંગ્રેસ નેતા મનિષ તિવારીના નવા પુસ્તક ‘ટેન ફલેશ પોઈન્ટઃ ૨૦ યર્સ-નેશનલ સિક્યુરિટી સિચ્યુએશન ધેટ ઈમ્પેક્ટેડ ઈન્ડિયાને લઈને ખુબ હોબાળો મચ્યો છે. જેમાં તેમણે પૂર્વની મનમોહન સરકાર પર નિશાન સાધ્યું છે. આ બધા વચ્ચે ભાજપે પણ કોંગ્રેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેને કોંગ્રેસની નિષ્ફળતાઓનું કબૂલાતનામું કહેવું જ યોગ્ય રહેશે. ખુબ સ્વાભાવિક હતું કે દરેક ભારતીયની જેમ અમને પણ ખુબ પીડા થઈ હતી. આજે આ તથ્ય સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસની સરકાર નક્કામી હતી.
રાષ્ટ્ર સુરક્ષા જેવા મુદ્દે ભારતની અખંડિતતાની પણ તેને ચિંતા નહતી. શું સોનિયા-રાહુલ પોતાની ચૂપ્પી તોડશે? આ સવાલ ભાજપ એટલા માટે ઉઠાવી રહ્યો છે કારણ કે દેશ માટે આ સવાલોના જવાબ જાણવા જરૂરી છે. સોનિયા ગાંધીને એ સવાલ છે કે ભારતીય સેનાને ખુલ્લી છૂટ અને મંજૂરી કેમ ન આપવામાં આવી?
ગૌરવ ભાટિયાએ કહ્યું કે આપણી સેના મનમોહન સિંહ પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મંજૂરી માંગતી રહી. પરંતુ એવું તે શું થયું કે સોનિયા ગાંધીનીં મંજૂરી તેમને ન મળી. પુલવામા હુમલા બાદ અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી. પાકિસ્તાનમાં ઘૂસીને ઠોક્યા. પરંતુ ૨૬/૧૧ હુમલા બાદ સેનાને કેમ મંજૂરી ન આપવામાં આવી?
તેમણે કહ્યું કે કોંગ્રેસે શહીદોની શહાદતની મજાક ઉડાવી. સોનિયા ગાંધી તમારે એ જણાવવું પડશે કે એવું તે કયો પ્રેમ છે પાકિસ્તાન પ્રત્યે કે સેનાને મંજૂરી ન આપવામાં આવી. ક્યાંક એવું તો નહતું કે તમને આપણી વીર સેના પર ભરોસો નહતો. જ્યારે આપણા દેશમાં હુમલા થઈ રહ્યા હતા
ત્યારે એક અખબારનો રિપોર્ટ છે કે રાહુલ ગાંધી સવાર સુધી પાર્ટી કરી રહ્યા હતા. ગૌરવ ભાટિયાએ કહ્યું કે હાલ થોડા દિવસ પહેલા નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે ઈમરાન ખાન તો અમારા મોટા ભાઈ છે. દેશ પૂછી રહ્યો છે રાહુલ ગાંધીને કે અમે શું છીએ?
જે શહાદત આપણા પોલીસકર્મીઓ અને કમાન્ડોએ આપી તેનો બદલો પાકિસ્તાન સાથે લેવામાં તમે સફળ કેમ ન થયા? તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે દેખાડ્યું કે ભારતની શક્તિ શું છે? સેના પર વિશ્વાસ કરવું શું હોય છે અને સેનાની તાકાત શું છે. યાદ કરો પાકિસ્તાને ઉરીમાં હુમલો કર્યો તો સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.