કોંગ્રેસ પાંચ લાખ સોશિયલ મીડિયા વોરિયર્સની ટીમ બનાવશે
૫૦ હજારને સઘન ટ્રેનિંગ પછી રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર પર પદાધિકારી બનાવાશે.-એક વીડિયો સંદેશમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુવકોને કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલમાં જાેડાવા વિનંતી કરી હતી.
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર ભાજપને ટક્કર આપવાનો રોડમેપ તૈયાર કરી લીધો છે. તેના માટે પાર્ટીએ સોમવારે જાેઈન કોંગ્રેસ સોશિયલ મીડિયા કેમ્પેન લોન્ચ કર્યું છે.
સોશિયલ ‘મીડિયા વોરિયર બનો નામથી આ અભિયાસ સમગ્ર દેશમાં જાેરશોરથી ચલાવાશે આ કેમ્પેન દ્વારા પાર્ટી સત્તાધારી ભાજપને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે, જેની પાસે દુનિયાનું સૌથી મોટું ચૂંટણી આઈટી તંત્ર છે. કોંગ્રેસ આ અભિયાન અંતર્ગત ૫ લાખ કરતા વધુ સોશિયલ મીડિયા વોરિયર્સની નિમણૂક કરવાની શરૂઆત કરી દીધી છે.
આ અભિયાનને પહેલા એ રાજ્યોમાં મજબૂતીથી ચલાવાશે જ્યાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ વોરિયર્સની પહેલી પરીક્ષા પશ્ચિમ બંગાળ, આસામ અને તમિળનાડુ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં થશે.
એક વીડિયો સંદેશમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુવકોને કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલમાં જાેડાવા વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા વોરિયર્સની ટીમને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ટીમ ન્યાય માટે લડનારા યોદ્ધાઓની છે. તે નફરતની સેના નથી. તે હિંસાની સેનાની નથી. તે સત્યની સેના છે.
આ એક સેના છે, જે ભારતના વિચારનો બચાવ કરશે. પાર્ટી ત્રણ મહિનાના સઘન અભિયાન અંતર્ગત પહેલા મહિને વોરિયર્સને આકર્ષિત કરવા માટે દેશભરમાં જાગૃતિ કાર્યક્રમ ચલાવશે. તેમાં એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસની મોટી ભૂમિકા હશે, જે મોબાઈલ એપ્લીકેશન્સમાં એક્સપર્ટ યુવાનોને આ અભિયાનમાં જાેડશે.
બે મહિના સુધી ઈન્ટરવ્યુ અને અરજીની સ્ક્રૂટીની થશે અને ત્રીજા મહિનાથી આ વોરિયર્સને ટ્રેનિંગ આપવામાં આવશે. ૫ લાખ વોરિયર્સની નિમણૂક કરવાનું લક્ષ્ય છે. તેમાંથી ૫૦ હજારને સઘન ટ્રેનિંગ પછી રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર પર પદાધિકારી બનાવાશે.
દરેક પદાધિકારી ૧૦ વોરિયર્સની ટીમનું નેતૃત્વ કરશે. કેમ્પેનના લોન્ચ દરમિયાન મીડિયાને સંબોધિત કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલે જણાવ્યું કે, સેવ ડેમોક્રેસી, સેવ ઈન્ડિયા જાેઈન કોંગ્રેસ સોશિયલ મીડિયા અભિયાન દ્વારા ૫ લાખ સભ્ય બનાવાશે. આ અભિયાન દરેક રાજ્યોના જિલ્લામાં જાેરશોરથી ચલાવાશે.