કોંગ્રેસ પાસે ચિંતન કે ચિંતા કરવાનો સમય નથી રહ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Congress-1-1024x768.jpg)
કોંગ્રેસે હવે સત્તા માટે નહી પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે
કોંગ્રેસ પાસે દેશમાં હવે માત્ર બે જ રાજયો રાજસ્થાન અને છત્તીસગઢ રહ્યાં: ઝારખંડ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે
ભારત સ્વતંત્ર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન સ્થપાયું હતંુ અને સૌથી મોટા પક્ષ તરીકે નામના મેળવી હતી કોંગ્રેસમાંથી ચુંટણી લડવી એટલે જીતી જવું તેવી માન્યતા હતી તેથી કોંગ્રસના સિમ્બોલ પર ચુંટણી લડવા માટે પેનલો બનાવવી પડતી હતી. ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ પક્ષ પર લાંબા સમય સુધી સંપૂર્ણ કમાન્ડ જાળવી રાખ્યો હતો
પરંતુ તેમના અવસાન બાદ પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગી હતી તેમાય ખાસ કરીને રાજીવ ગાંધીના અવસાન બાદ કોંગ્રેસ પાર્ટી પ્રાદેશિક પક્ષોના સહારે જીત મેળવવા લાગી હતી એટલું જ નહી પરંતુ સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો ઈન્કાર કરી દેતા મનમોહનસિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
અને બે ટર્મ સુધી યુપીએનું શાસન જળવાઈ રહયું હતું. પરંતુ આ બે ટર્મ દરમિયાન અનેક કૌભાંડો બહારઆવતા અને સામે પક્ષે ભાજપે વડાપ્રધાન પદ ના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરતા જ તેમણે વન મેન આર્મીની ભૂમિકા ભજવી દેશભરના નાગરિકોમાં પુનઃ વિશ્વાસનું વાતાવરણ સર્જયુ હતું.
પરિણામે દેશના મોટાભાગના રાજયોમાંથી તેમને સારો પ્રતિસાદ મળતા સ્પષ્ટ બહુમતી સાથે એનડીએનું શાસન સ્થપાયું છે. પ્રથમ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક પ્રજા ઉપયોગી કામો કરતા તેની સીધી અસર બીજી ટર્મની ચુંટણીમાં પણ જાેવા મળી હતી અને સતત બીજી વખત વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ચુંટાઈ આવ્યા છે.
વડાપ્રધાને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનો નારો આપ્યો છે અને તેમાં તેઓ સફળ થઈ રહયા છે. એક પછી એક રાજયો કોંગ્રેસના હાથમાંથી સરકી રહયા છે અને ભાજપ એક પછી એક રાજયોમાં પોતાની સત્તા હાંસલ કરી રહયું છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના હતાશ થયેલા કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જાેડાવા લાગ્યા છે.
કોંગ્રેસની વર્ષો જુની પ્રણાલીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રદેશ નેતાઓને રાષ્ટ્રીય નેતાઓ નહી મળતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. છેલ્લે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતાં રાષ્ટ્રીય નેતાગીરી સામે ભારે ઉહાપોહ થયો છે.
પરિણામે સફાળા જાગેલા નેતાઓએ આ મુદ્દે મંથન કરવા માટે બેઠક બોલાવી હતી પરંતુ તેનુ કોઈ પરિણામ જાેવા મળ્યુ નથી. કોંગ્રેસની નેતાગીરી નિર્ણયો લેવામાં ખુબ જ સમય વેડફે છે આ ઉપરાંત પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં પણ હવે કોંગ્રેસના નેતાઓ સફળ થતા જાેવા મળતા નથી તેનો તાજાે દાખલો ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીનો છે.
આ ઉપરાંત રાહુલ ગાંધી પણ વિધાનસભાની ચુંટણીઓમાં કોંગ્રેસ તરફી પરિણામ લાવવામાં સંપુર્ણપણે નિષ્ફળ ગયા છે. તેથી હવે એક બાબત સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે હવે ચિંતન કે ચિંતા કરવાનો સમય નથી રહયો પરંતુ કોંગ્રેસે હવે સત્તા માટે નહી પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જંગ લડવો પડે તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
પાંચ રાજયોની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસમાં વધુ એક વખત ગણગણાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નારાજ નેતાઓ નવેસરથી મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે. પાંચ રાજયની વિધાનસભાની બેઠકોનો સરવાળો કરીએ તો ૬૯૦ બેઠકો થાય છે. આમાંથી કોંગ્રેસને માત્ર પ૪ બેઠકો મળી છે. દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ૪૦૩ બેઠકમાંથી માત્ર બે બેઠકો મળી. યુપીમાં કોંગ્રેસનો આટલો કરુણ રકાસ કયારેય થયો નથી.
લડકી હું, લડ સકતી હું ના નારા સાથે પ્રિયંકા ગાંધીએ યુપીનો મોરચો સંભાળ્યો હતો. પ્રિયંકાએ ઘણી મહેનત કરી પણ કોંગ્રેસને કોઈ ફાયદો થયો નથી. પંજાબમાં તો કોંગ્રેસે સરકાર ગુમાવી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજિત ચન્ની બંને બેઠકો પરથી હાર્યા. પ્રદેશ પ્રમુખ નવજાેતસિંહ સિદ્ધુની પણ હાર થઈ.
કોંગ્રેસના તમામ દિગ્ગજાેની હાલત દયાજનક થઈ ગઈ. કોંગ્રેસ પાસે દેશમાં હવે માત્ર બે જ રાજયો રાજસ્થાન અને છત્તીસગઢ રહ્યાં છે. ઝારખંડ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે. કોંગ્રેસની હાલત જાેઈને કોંગ્રેસના નેતાઓ જ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. કોંગ્રેસમાં એવી મજાક ચાલે છે કે ભાજપમાં એ લોકો જ જતાં નથી જે મોટી ઉંમરના છે. અથવા તો ભાજપ જેને બોલાવતો નથી. ખુદ કોંગ્રેસીઓ એવું કહે છે કે કોંગ્રેસની હાલત ચિંતન નહીં પણ ચિંતા કરવી પડે એવી થઈ ગઈ છે. આવું જ ચાલ્યું તો કોંગ્રેસ પાસે જે કંઈ થોડું ઘણું બચ્યું છે એ પણ ખતમ થઈ જશે.
ચૂંટણીના પરિણામો સંદર્ભે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, કોંગ્રેસ પરિણામોમાંથી શીખ મેળવશે અને દેશના લોકોના હિતમાં કામ કરતી રહેશે. કોંગ્રેસે જાે પોતાની હારમાંથી કોઈ શીખ લીધી હોત તો કોંગ્રેસની હાલત આવી થઈ હોત. કોંગ્રેસના ર૩ વરિષ્ઠ નેતાઓએ ઓગસ્ટ ર૦ર૦માં પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીને એક પત્ર લખીને કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાનું અને આંતરિક ચૂંટણી યોજવાનું સૂચન કર્યું હતું.
આ નેતાઓની વાત માનવાનું તો દૂર રહ્યું, એ બધાને સાઈડલાઈન કરી દેવાયા હતા. તેમને જી-ર૩ ગ્રૂપ કહીને હજુ પણ વગોવવામાં આવે છે. કપિલ સિબ્બલ, ગુલાબ નબી આઝાદ, મનીષ તિવારી, આનંદ શર્મા સહિતના નેતાઓ સમયે સમયે હૈયાવરાળ ઠાલવતા રહે છે પણ કોંગ્રેસના મોવડી મંડળને કોઈ અસર થતી નથી. સોનિયા ગાંધીની તબિયત સારી રહેતી નથી. હવે તેઓ ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. રાહુલ ગાંધી સમયે સમયે ગુમ થઈ જાય છે.
એક સમય હતો જયારે એવું કહેવાતુ હતું કે, કોંગ્રેસ પાસે હવે એક જ હુકમનું પાનું છે અને તે છે પ્રિયંકા. હવે તો પ્રિયંકા પણ મેદાનમાં આવી ગયા છે. પ્રિયંકા વિશે એક સમયે એવું કહેવાતું હતું કે તેનામાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીની છાંટ છે. પ્રિયંકા પોતાની દાદીની જેમ નામ કાઢી શકે એમ છે. એ મુદ્દે કોંગ્રેસીઓ જ એવું કહી રહ્યા છે કે હવે લોકો ઈંદિરા ગાંધીને જ ભૂલી ગયા છે. ઈંદિરાજીની વિદાયને ૩૮ વર્ષ થઈ ગયા છે. આખો યુગ બદલાઈ ગયો છે. હવે કોઈના નામ પર કોઈ તરે એ સમય રહ્યો નથી. હવે તમારે તમારી જાતને સાબિત કરવી પડે એમ છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં અને ખાસ કરીને નરેન્દ્ર મોદી જયારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ભાજપનો દબદબો જે રીતે વધ્યો છે એ પોલિટિકલ સાયન્સ અને પોલિટિકલ હિસ્ટ્રીનું એક બેનમૂન પ્રકરણ છે. ભાજપ સતત સક્રિય હોય છે. ભાજપ પાસે કમિટેડ નેતાઓ અને કાર્યકરોની ફોજ છે. ભાજપમાં શિસ્ત છે અને ઉપરથી જે આદેશ થાય એ બધાને માનવો પડે છે. કોંગ્રેસમાં તો કોઈના પર કોઈનો કંટ્રોલ જ નથી. બધા પોતપોતાની રીતે લડતા રહે છે.
એકેય રાજય એવું નથી જયાં કોંગ્રેસમાં વિખવાદ ન હોય. કેટલાંક રાજયોમાં તો કોંગ્રેસનું કોઈ વજુદ બચ્યું નથી ત્યાં પણ કોંગ્રેસીઓ અંદરોઅંદર ઝઘડતા રહે છે. ખુદ રાહુલ ગાંધી એવું કહી ચુકયા છે કે સિનિયર નેતાઓ કોઈનું માનતા નથી અને મતફાવે એ રીતે વર્તી રહ્યા છે. ભાજપને ટકકર આપી શકાય એવો સ્પિરીટ જ જાણે ખતમ થઈ ગયો છે.
યુપીના પરિણામો પછી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે એવું કહ્યું કે અમે એ સાબિત કર્યુ છે કે ભાજપની બેઠકો ઘટાડી શકાય છે. કોંગ્રેસ તો કંઈ બોલી શકે એવી સ્થિતિમાં જ નથી.આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણી થવાની છે. બંને રાજયોમાં ભાજપ સત્તાસ્થાને છે.
ગુજરાત તો ભાજપ માટે મોડેલ સ્ટેટ છે. ભાજપમાં જે થનગનાટ છે એ ઉડીને આંખે વળગે એવો છે. હવે આ બે સ્ટેટ પર જ ફોક્સ રહેવાનું છે. ભાજપ દરેક બુથ સુધીની વ્યવસ્થા ગોઠવે છે. કોંગ્રેસ કંઈ શીખતી નથી. મતદારો બધું જાેતા હોય છે. મતદારો આંખો મીંચીને મત આપતા નથી.
તેની પાસે મત આપવાનાં કારણો હોય છે. કોણ કેવું કામ કરે છે એના પર મતદારોની નજર હોય છે. લોકશાહીના જતન માટે એવું કહેવાતું રહ્યું છે કે દેશમાં સબળ વિરોધ પક્ષ હોય એ જરૂરી છે. કમનસીબી એ છે કે, કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં પણ નિષ્ફળ ગઈ છે ! હવે તો કોઈને એવું પણ નથી લાગતું કે કોંગ્રેસ તેની હારમાંથી પણ કંઈ શીખે !