કોંગ્રેસ સદન ચાલવા દેતી નથી કે ચર્ચામાં પણ ભાગ લેતી નથી

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સદન ચાલવા દેતી નથી કે ચર્ચામાં પણ ભાગ લેતી નથી. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે કોવિડ-૧૯ પર જ્યારે બેઠક બોલાવવામાં આવી તો કોંગ્રેસે બહિષ્કાર કર્યો અને અન્ય પક્ષોને પણ આવતા રોક્યા.
બેઠકમાં પીએમ મોદીએ ભાજપના સાંસદોને સલાહ આપતા કહ્યું કે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના આ કામોને જનતા સામે એક્સપોઝ કરો. પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે ૧૬ ઓગસ્ટ બાદ તમે બધા પોત પોતાના વિસ્તારોમાં જાઓ અને સરકારની ૮ યોજનાઓની જાણકારી આપો. આ સાથે જ ૭૫ વર્ષ થઈ રહ્યા છે તેને લઈને અને આગામી ૨૫ વર્ષ માટે લોકો વચ્ચે જાગૃતતા ફેલાવો.
કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાલના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયાના અવસરે ૨-૨ની ટોળીમાં ૭૫ ગામડાઓમાં જાઓ અને ત્યાં ૭૫ કલાક રોકાઓ. લોકો વચ્ચે ગામડામાં દેશની ઉપલબ્ધિઓ અને દેશની આઝાદી સહિત તમામ ચીજાે અંગે જણાવો. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ સરકારી ન બની જાય. આ કાર્યક્રમમાં દેશના જન-જનની ભાગીદારી હોય. આ સાથે જ પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું કે તેઓ લોકો વચ્ચે વિપક્ષને એક્સપોઝ કરે. ખાસ કરીને કોંગ્રેસને. તેમણે કહ્યું કે તમે લોકોને જણાવો કે કોંગ્રેસ પાર્ટી બેઠકમાં સામેલ થતી નથી અને તેનો બહિષ્કાર કરે છે. આ સાથે જ સંસદ પણ ચાલવા દેતી નથી.