કોંગ્રેસ સહિતના વિપક્ષો જ કૃષિ કાયદામાં ફેરફાર કરવાની વાત કરી ચુક્યા છેઃ ભાજપ
નવી દિલ્હી, નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે અને બીજી તરફ ભાજપે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે, વિપક્ષી પાર્ટીઓ ખેડૂત આંદોલનમાં કુદી પડી છે.આ પાર્ટીઓ સતત ચૂંટણી હારી રહી હોવાથી સરકારના વિરોધમાં ઉભી થઈ જાય છે અને પોતે જ ભૂતકાળમાં કરેલા વાયદાઓને ભૂલી જાય છે.2014ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એપીએમસી એક્ટ સમાપ્ત કરવાનુ વચન અપાયુ હતુ.રાહુલ ગાંધીએ 2013માં કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓી બેઠક બોલાવી હતી અને તેમાં કહ્યુ હતુ કે, ખેડૂતો માટેના બજારોને ફ્રી કરી દેવા જોઈએ.
પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારે પણ રાજ્યોને પત્ર લખીને ખેડૂતોના માર્કેટને ફ્રી કરવા માટે અપીલ કરી હતી.શરદ પવારે પોતે કહ્યુ હતુ કે, એપીએમસી એકટ્માં બદલવાની જરુર છે.અખિલેશ યાદવના પિતા અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ પોતે કહી ચુક્યા છે કે, ખેડૂતોને એપીએમસીના કલ્ચરમાંથી બહાર લાવવા જરુરી છે.
પ્રસાદે કહ્યુ હતુ કે, આ પાર્ટીઓને ખેડૂતો તો બોલાવતા નથી પણ આમ છતા તેઓ તેમની સાથે જવા ઈચ્છે છે.ખેડૂતોની આવક વધારવા માટે અલગ અલગ રાજ્યોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લાગુ કર્યુ છે.જેમાંથી મોટાભાગના કોંગ્રેસ શાસિત પ્રદેશ હતા.
તેમણે કહ્યુ હતુ કે, હું કાયદા મંત્રી તરીકે કહી રહ્યો છું કે ના તો ખેડૂતોની જમીનોને લીઝ પર લેવાશે અને ના તેમને જમીન વેચવાનો વારો આવશે.ખેડૂતોને ભ્રમમાં પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.