કોંગ્રેસ ૫૦ વર્ષ સુધી વિપક્ષમાં જ બેસી રહેશે : ગુલાબ નબી આઝાદ
નવી દિલ્હી: રાજસ્થાનનું રાજકીય ઘમાસાણ ઉકેલાયે હજુ થોડાક જ દિવસો થયા છે ત્યારે હવે લેટર બોમ્બએ કાૅંગ્રસને હલાવીને રાખી દીધી છે. ૭ કલાક ચાલેલી કાૅંગ્રસ વર્કિંગ કમિટી બેઠક બાદ પણ પાર્ટી પોતાના નેતાઓને સંતુષ્ટ કરવામાં સફળ રહી હોય તેવું નથી લાગી રહ્યું. કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદએ પાર્ટી નેતાઓને કહ્યું છે કે જે કોઈ પણ કાૅંગ્રેસનું હિત ઈચ્છે છે તે તેમના ‘અસહમતિ પત્ર’નું સ્વાગત કરશે. કાૅંગ્રેસ તરફથી ભલે કહેવામાં આવી રહ્યું હોય કે તેઓએ ગુલાબ નબી આઝાદને સમજાવી લીધા છે, જોકે તેઓએ ફરી એકવાર ભાર મૂકતાં કાૅંગ્રેસ વર્કિંગ કમિટીની નવેસરથી ચૂંટણી કરવાની વાત કહી છે. ગુલાબ નબી આઝાદે કહ્યું કે, કાૅંગ્રેસના આંતરિક કામકાજમાં જે કોઈને પણ રસ હશે તેઓ અમારા આ પ્રસ્તાવને સમર્થન આપશે.
અમે ઈચ્છીએ છીએ કે પાર્ટીને જો મજબૂત કરવી છે તો દરેક રાજ્ય અને જિલ્લામાં અધ્યક્ષ નિયુક્ત હોવા જોઈએ. તેઓએ કહ્યું કે સંગઠનને મજબૂત કરવા માટે સમગ્ર કાૅંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી કરાવવી જોઈએ.
આઝાદે વધુમાં કહ્યું કે, ચૂંટણી કરાવવાનો લાભ એ રહેશે કે જ્યારે તમે ચૂંટણી જીતો છો તો ઓછામાં ઓછા પાર્ટીના ૫૧% સભ્યો આપની સાથે ઊભા હોય છે. અધ્યક્ષ બનનારા વ્યક્તિને એક ટકા સમર્થન પણ નથી મળી શકતું. જો સીડબલ્યૂસી સભ્ય ચૂંટાઓ છો તો તેમને હટાવી નથી શકાતા.
તેમાં સમસ્યા શું છે? ગુલાબ નબી આઝાદે કહ્યું કે, રાહુલ ગાંધીને પાર્ટીના સુધાર માટે અમે જે સૂચનો કર્યા હતા તેનાથી તકલીફ થઈ. જોકે બાદમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ એક મહિનાની અંદર ચૂંટણી યોજશે, પરંતુ કોરોનાને જોતાં આ શક્ય થાય તેમ નથી લાગતું. આ જ કારણ છે કે અમે સોનિયા ગાંધીને ૬ મહિના માટે અધ્યક્ષ બનવા માટે અનુરોધ કર્યો છે. ગુલાબ નબી આઝાદે કહ્યું કે, ગત અનેક દશકોથી પાર્ટીની અંદર ચૂંટણી નથી યોજવામાં આવતી. તેઓએ કહ્યું કે, આ પ્રયાસ ૧૫ વર્ષ પહેલા જ કરી લેવા જોઈતો હતો.
અમારી પાર્ટી સતત ચૂંટણી હારી રહી છે. આપણે જો સત્તામાં વાપસી કરવી છે તો આપણે આંતરિક ચૂંટણી કરાવીને પાર્ટીને મજબૂત કરવી પડશે. આઝાદે કહ્યું કે જો પાર્ટીના નેતાઓ તરફથી લખવામાં આવેલો પત્ર સાર્વજનિક થઇ ગયો તો તેમાં મુશ્કેલીની વાત શું છે. પાર્ટીને મજબૂત કરવા અને ચૂંટણી યોજવી તે કોઈ સ્ટેટ સીક્રેટ નથી. તેઓએ જણાવ્યું કે ઈન્દિરા ગાંધીજીના સમયમાં પણ કેબિનેટની કાર્યવાહી લીક થઇ જતી હતી.sss