કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં આર્કિટેક્ટ –એન્જિનિયરનું અનોખું મહત્વ – મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની “ધ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ”ના હિરક મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકદેવના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ધ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ના હિરક મહોત્સવ પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિચારને મૂર્તિમંત કરવા માટે આપણે સૌ આત્મનિર્ભર ગુજરાત માટે સંકલ્પબદ્ધ થઈએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના દુરંદેશી નેતૃત્વમાં ઔદ્યોગિક તેમ જ અન્ય ક્ષેત્રોમાં ક્રાંતિ આણી અને સર્વસ્પર્શી અને સર્વદેશીય વિકાસની ઈમારતનો પાયો રચ્યો હતો, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અવસરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમારી ટીમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી કેડી પર – વિકાસપથ પર આગળ વધી રહી છે અને ગુજરાતની જનતાની સેવા માટે કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસના પાયામાં આર્કિટેક્ટ અને એન્જિનિયર હોય છે અને તેમનું સમાજમાં અનોખું મહત્વ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ બંને વિશેષજ્ઞોની મદદથી જ રાજ્ય સામાજિક અને માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી શકે છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની સામાન્ય નાગરિકની સુખાકારી માટેની ચિંતા સેવતા કહ્યું કે, આપણી સરકાર- ગુજરાત સરકારનો ઉદ્દેશ છેવાડાના માનવીનો વિકાસ છે અને આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે નવી ટીમ રાત-દિવસ મહેનત કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ GICEA સંસ્થાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, રાજ્ય સરકારના માળખાગત સુવિધાઓના વિકાસકાર્યમાં આ સંસ્થા તરફથી અમૂલ્ય સૂચનો મળતા રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સંપાદિત મેગેઝીનનું પણ વિમોચન કર્યું હતું. આ અવસરે જાણીતા ઉદ્યોગપતિ શ્રી અચલ બકેરી અને ખેડા જિલ્લા કલેક્ટરશ્રી કિશોરભાઈ બચાણીનું પણ વિશેષ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે GICEAના સ્થાપક સભ્ય શ્રી કંચનભાઈ, પ્રમુખ શ્રી વત્સલભાઈ પટેલ બકેરી ગ્રુપના સ્થાપક શ્રી અનિલભાઈ બકેરી, બાંધકામ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડર્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડોદરા રાજકોટ, સુરત, ભાવનગરના વિવિધ એન્જિનિયરિંગ એસોસિએશનના ચેરમેનશ્રીઓ પણ હાજર રહ્યા હતા.