કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે
નવીદિલ્હી, નાગરિકતા સંશોધન કાયદાને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ,પંજાબ, કેરળ નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પશ્ચિમ બંગાળ પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે.
નાગરિકતાના બિલના વિરોધમાં પૂર્વોત્તરમાં સતત હિંસા ચાલુ છે. આસામમાં એએએસયુના નેતૃત્વમાં પ્રદર્શન અને ભૂખ હડતાળ ચાલુ છે. પ્રદર્શનકારીઓએ નાગરિકતા સંશોધન કાયદો પાછો ખેંચવાની માગણી કરી છે. સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે તોડફોડ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. આસામના રાજ્યપાલે પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. આસામના પ્રદર્શનકારીઓની દલીલ છે કે નાગરિકતા સંશોધન કાયદો ‘આસામ સંધિ’નો ભંગ છે. ‘આસામ સંધિ’ની કલમ ૬ના ભંગનો આરોપ છે. કલમ ૬માં સંસ્કૃતિ, ભાષાકીય ઓળખની રક્ષા કરવાનું વચન અપાયું હતું.
આસામમાં હિંસા બાદ ૧૦ જિલ્લાઓમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. ગુવાહાટી અને ડિબ્રુગઢમાં કરફ્યુમાં રાહત છે. કરફ્યુમાં ઢીલ અપાયા બાદ લોકોએ જરૂરિયાતની ચીજો ખરીદી. આસામમાં અત્યાર સુધી ૪ લોકોના મોત થયા છે. ૨૨ ડિસેમ્બર સુધી શાળા કોલેજ બંધ છે. આસામના તેજપુર, ધેકિઅજુલી, જોરહાટમાં કરફ્યુ લાગેલો છે. ગુવાહાટી, તિનસુકિયા સહિત ૧૦ જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ છે. આસામના ૧૦ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સર્વિસ પર રોક છે. મેઘાલયમાં પણ ઈન્ટરનેટ સર્વિસ પર રોક છે. શિલોંગમાં પણ કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાગેલો છે.