કોઈ પેપર નહીં ફૂટે, સરકારી ભરતીની પરીક્ષા સમયસર લેવાશેઃ કેજરીવાલ

હિંમતનગરમાં અરવિંદ કેજરીવાલે ફ્રી શિક્ષણ, સરકારી ભરતીમાં પેપર ફૂટવાના મુદ્દા સહીત અનેક મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા
સાબરકાંઠા,ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ લોકો સાથે સંવાદ કરી જનતાને મોટી-મોટી ગેરેન્ટી આપી રહ્યાં છે. આજે કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજ્યા બાદ હિંમતનગર પહોંચેલા કેજરીવાલે ગુજરાતની જનતાને વધુ કેટલીક ગેરેન્ટી આપી છે.
અરવિંદ કેજરીવાલે રોજગારનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અહીં રોજગાર નથી, કામ કરવા માટે નોકરી નથી. ગુજરાતની જનતાનો અવાજ સાંભળનાર કોઈ નથી. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ૨૭ વર્ષથી તેનું શાસન છે પરંતુ ભાજપને કોઈ ચિંતા નથી. તેમણે કહ્યું કે દિલ્હીમાં ૧૨ લાખ લોકોને રોજગાર આપ્યો, દિલ્હી નાનું છે. ગુજરાત મોટું છે, ત્યાં વધારે લોકોને રોજગાર મળશે.
કેજરીવાલે કહ્યું કે દરેકને નોકરી આપીશું. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ૧૦ લાખ લોકોને સરકારી નોકરી આપવાની છે. અમે બધી ગણતરી કરીને રાખી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી ૩ હજાર બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તો ૧૮ વર્ષથી મોટી ઉંમરની દરેક મહિલાઓને મહિને ૧ હજાર રૂપિયા આપવામાં આવશે.ગુજરાતમાં અત્યાર સુધી ઘણી સરકારી પરીક્ષાના પેપર ફૂટી ગયા છે.
આ મુદ્દે રાજ્યભરમાં પરીક્ષા આપનાર ઉમેદવારોએ વિરોધ પણ કર્યો હતો. ત્યારે કેજરીવાલે કહ્યું કે હવે કોઈ પેપર ફૂટશે નહીં. સમયસર પરીક્ષા લેવાશે. તેમણે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, જે પેપર લઈ શકતા નથી, તે શું સરકાર ચલાવશે. તેમણે કહ્યું કે હું રૂપિયા લૂંટીને સ્વિસ બેન્કમાં લઈ જતો નથી.
જનતાના પૈસા જનતાને આપુ છું. અમને મત આપશો તો બાળકોનું ભવિષ્ય બનાવીશું. કેજરીવાલે હિંમતનગરમાં પણ સરકારી હોસ્પિટલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દરેકને ફ્રી સારવાર આપવામાં આવશે. દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકમાં તમામ સારવાર અને દવા ફ્રી મળે છે. તેમણે કહ્યું કે અમારી સરકાર આવશે તો તમામ ટેસ્ટ, દવા અને મફત ઓપરેશન કરવામાં આવશે. અમે સરકારી હોસ્પિટલ એસી સાથે શાનદાર બનાવીશું.