કોઈ બાળકના ઓનલાઈન ક્લાસ હવે અટકશે નહીં

Files Photo
મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ કરીને ચર્ચામાં છવાયેલો રહે છે. સૌથી પહેલા સોનુ સૂદ ચર્ચામાં ત્યારે આવ્યો હતો, જ્યારે તેણે કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા સાથે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી.
આ બાદ પણ સોનુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની સતત મદદ કરી રહ્યો છે. હાલમાં પણ લોકો સોશિયલ મીડિયા દ્વારા સોનુ સૂદ પાસે મદદ માગતા રહે છે અને સોનુ આવા લોકોની મદદ પણ કરતો રહે છે.
હવે સોનુ સૂદે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહ્યું કે હવે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવામાં તે બાળકોની મદદ કરશે. સોનુ સૂદે પોતાની નવી પહેલની જાહેરાત કરતા એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના પર લખ્યું છે, મારા દેશના કોઈપણ જરૂરિયાતમંદ બાળકની ઓનલાઈન ક્લાસ હવે અટકશે નહીં. જલ્દી આવી રહ્યો છે મારો આગલો પ્રયાસ.
આ તસવીરને શેર કરતા સોનુએ લખ્યું, ભણશે ભારત, ત્યારે જ તો આગળ વધશે ભારત. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનુ સૂદને થોડા દિવસો પહેલા જ લીડ રોલ માટે ફિલ્મ ‘કિસાન’માં સાઈન કરાયો છે.
સોનૂ સૂદના લીડ રોલવાળી ફિલ્મ ‘કિસાન’ને ઈ નિવાસ ડાયરેક્ટ કરશે. આ ફિલ્મને રાજ શાંડિલ્ય પ્રોડ્યૂસ કરી રહ્યા છે, જેમણે આયુષ્માન ખુરાનાની સુપરહીટ ફિલ્મ ‘ડ્રીમગર્લ’નું ડિરેક્શન કર્યું હતું. હજુ ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત કરાઈ નથી.