કોઈ વિદેશી કંપની રાજ્ય સરકારને વેક્સિન આપવા તૈયાર નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Pfizer-company-1024x768.jpg)
ફાઈઝર-મોડર્નાએ વેક્સિન આપવા ના પાડીઃ કેજરીવાલ -કોરોનાની બીજી લહેરની વચ્ચે દેશમાં વેક્સિનની અછત- કારણ કે તેઓ કેન્દ્રને જ આપવા માગતી હોવાનો આક્ષેપ
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલું ભારત હજુ પણ વેક્સિનની તંગી અનુભવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં વેક્સિન ન હોવાથી વેક્સિનેશન સેન્ટર્સને તાળા મારી દેવામાં આવ્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે કોઈ વિદેશી કંપની રાજ્ય સરકારને વેક્સિન આપવા તૈયાર નથી કારણ કે તેઓ કેન્દ્રને જ આપવા માંગે છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, તેમણે વેક્સિન માટે ફાઈઝર અને મોડર્ના કંપનીઓ સાથે વાત કરી હતી પરંતુ બંનેએ તેઓ રાજ્યને નહીં પણ ફક્ત કેન્દ્ર સરકારને જ વેક્સિન આપશે તેમ કહી દીધેલું.
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે, કેન્દ્ર તરત જ આ કંપનીઓ સાથે વાત કરે અને વેક્સિન આયાત કરે. કેજરીવાલના કહેવા પ્રમાણે કેન્દ્ર વેક્સિન ઈમ્પોર્ટ કરીને રાજ્યોમાં વહેંચી દે. તે સિવાય નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ કેન્દ્રને ટાર્ગેટ કર્યું હતું.
મનીષ સિસોદિયાના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારની અવ્યવસ્થાના કારણે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટેના વેક્સિનેશન સેન્ટર બંધ થઈ ગયા છે, ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફક્ત કોવિશીલ્ડ સેન્ટર્સ ચાલુ છે. મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારે વેક્સિનને લઈ મજાક બનાવી દીધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, વિદેશી કંપનીઓની વેક્સિનને મંજૂરી ન અપાઈ જ્યારે દેશની ૨ કંપનીઓમાં બની રહેલી વેક્સિનની નિકાસ થઈ રહી છે. આપણો દેશ મંજૂરી-મંજૂરી રમી રહ્યો છે ત્યારે ૬૮ દેશ સ્પુતનિક લગાવવી શરૂ કરી ચુક્યા છે. ૮૫ દેશોએ ફાઈઝરને મંજૂરી આપીને તેની ખરીદી શરૂ કરી દીધી છે જ્યારે મોડર્નાને ૪૬ દેશ અને જાેનસન એન્ડ જાેનસનને ૪૧ દેશ મંજૂરી આપી ચુક્યા છે.