કોક્રીંટ અને ઈંટની કવિતા કરતા સ્થપતિ: બાલકૃષ્ણ દોશી
થોડા વરસો પહેલાની વાત છે. પોળોના જંગલોમાં રહેતી એક છોકરીને અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીમાં એડમિશન મળ્યું. ફાઈનલ યરનું પ્રેઝેન્ટેશન હતું. આખા ભારતભરમાંથી આવતા વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં પોતાની રજૂઆત કરે. પણ અંતરીયાળ વિસ્તારમાંથી આવતી એ છોકરી અંગ્રેજી સમજે ખરી પણ પોતાના મૌલિક વિચારો અંગ્રેજીમાં સહજ રીતે રજૂ ના કરી શકે.
પોતાના ગામ પાસે વહેતી સાબરમતીના કાંઠે ગ્રામવાસીઓ અને ઢોર-ઢાંખર માટે એક પ્રોજેક્ટ તે છોકરીએ કર્યો હતો. તેની પાસે વિચાર મૌલિક હતો પણ ભાષા નડતી હતી. જ્યુરીના એક પ્રોફેસરે આ મૂંઝવણ સમજી અને તરત કહ્યું ,”ગુજરાતીમાં બોલ” અને એ છોકરીએ પછી બહુ આત્મવિશ્વાસ સાથે પ્રોજેક્ટ રજૂ કર્યો. પ્રોફેસરે એને કૉલેજની લાયબ્રેરીમાંથી “ સાબરમતીને કિનારે કિનારે” પુસ્તક વાંચવાની ભલામણ પણ કરી. આ પ્રોફેસર એટલે બીજું કોઈ નહિ પણ વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ “બાલકૃષ્ણ દોશી.”
દુનિયાભરના લોકોમાં “દોશી”ના હુલામણા નામથી તે ઓળખાય. હમણાં જ તેમને વર્ષ ૨૦૨૦ માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. એ પહેલા ૨૦૧૮માં આર્કિટેક્ચર જગતનું નોબૅલ કહી શકાય તેવા “પ્રિત્ઝકર પ્રાઈઝ”થી સન્માનિત થનારા પહેલા ભારતીય પણ બન્યા. આજે ૯૪ વર્ષની ઉંમરે પણ તેજ યાદશક્તિના સ્વામી બી વી દોશીના નામે થયેલા સન્માન અને ખિતાબોની કમી નથી પણ તેમનું ખરું ઈનામ એ હજારો લોકોનો આત્મ સંતોષ છે જેઓ તેમણે રચેલા સ્થાપત્યો સાથે જીવી રહ્યા છે.
બી વી દોશીનો જન્મ ૨૬ ઓગસ્ટ ૧૯૨૭ના રોજ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારમાં પૂણે ખાતે થયો હતો.અભ્યાસ મરાઠી મીડિયમમાં. ડ્રોઈંગ અને ડિઝાઇન તરફના લગાવના લીધે મુંબઈની જે જે સ્કૂલ ઓફ આર્ટમાં ચિત્રકલામાં એડમિશન લીધું, વર્ષ ૧૯૪૭નું હતું.
દેશની આઝાદીનું વર્ષ. પછી બ્રાન્ચ બદલીને આર્કિટેક્ચરમાં ગયા. ત્રીજા વર્ષે સ્કૂલ છોડી દીધી અને વધુ સારી તકની શોધમાં લંડન ગયા અને અહીંથી બે વર્ષ બાદ તેઓ પેરિસ પહોંચ્યા.દોશીના જીવનનો એ નિર્ણાયક તબક્કો. અહીંયા તેઓ મળ્યા ખ્યાતનામ ફ્રેન્ચ આર્કિટેક્ટ લ કોર્બુઝિયેને. કોર્બુઝિયેનો પ્રભાવ બી વી દોશી જીવન અને કાર્ય શૈલી પર ખૂબ ઊંડો રહ્યો છે.
કોર્બુઝિયેનું એ સમયે મોટું નામ હતું. ભારત સરકારે ચંદીગઢ શહેરની રચના માટે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. અમદાવાદના ઉદ્યોગપતિઓએ આ વાત જાણી તો અમદાવાદ શહેરમાં કોર્બુઝિયેને નિમંત્રણ આપ્યું. ચીનુભાઈ ચીમનભાઈ એ વખતે અમદાવાદના મેયર અને કોર્બુઝિયેને એક સાથે ચાર બિલ્ડીંગ ડિઝાઇન કરવાનો પ્રસ્તાવ કર્યો.
એક અજાણ્યા વિદેશી આર્કિટેક્ટ પર આટલી મોટી જવાબદારી મૂકવા સાહસ જાેઈએ. અમદાવાદમાં જ મિલ ઓનર્સ એસોશિયેસન બિલ્ડીંગ , સંસ્કાર કેન્દ્ર પાલડી વગેરે પ્રોજેક્ટ ચાલતા. આ પ્રોજેક્ટના સુપર વિઝનની જવાબદારી કોર્બુઝિયેએ બી વી દોશીને સોંપી અને આમ શરૂઆત થાય છે દોશીના અમદાવાદ સાથેના સંગાથની.
અમદાવાદ નોખું શહેર હતું. અહીંની મહાજન અને શ્રેષ્ઠીઓની પરંપરા શહેરના જાહેર જીવનને પણ સમૃદ્ધ કરી રહી હતી. કસ્તૂરભાઈ લાલભાઈ અને વિક્રમ સારાભાઈ જેવા દીઘર્દ્રષ્ટાઓ આ શહેરમાં વસતા હતા. બી વી દોશીને આ શહેરની તાસીર ગમી ગઈ. સ્થાપત્યો રચવા ખાલી વિચાર નહિ પણ આર્થિક ક્ષમતા પણ જાેઈએ. અમદાવાદે બી વી દોશીના પાયા મજબૂત કર્યા.
એટલે જ અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ કે જે આજે સેપ્ટ તરીકે ઓળખાય છે તેની શરૂઆત થઇ શકી . આ સંસ્થા આજે પણ આ દેશ ને દુનિયાને ઉત્તમ આર્કિટેક્ટ અને પ્લાનર આપી રહી છે. સેપ્ટની રચનામાં તેમણે કોર્બુઝિયેની શૈલીનો પ્રભાવ ઝીલ્યો. દોશી “મિસ્ટ્રી ઓફ મુવમેન્ટ”માં માને,તેમણે અમદાવાદની પોળોની સંતાકૂકડી પણ તેમાં ઉમેરી દીધી. તેમના સ્થાપત્યોમાં “ખાલી જગ્યાઓ” કે “ સ્પેસ” પણ તેમની ડિઝાઈનનો જ ભાગ હોય છે. .
તેઓ કહે છે કે કોઈ પણ ઇમારતનો વિચાર લઈને આવનાર વ્યક્તિ એક સપનું પણ લઈને આવતો હોય છે. સ્થપતિઓએ એ અમૂર્ત સપનાને આકાર આપવાનો હોય છે. બી વી દોશી વિશ્વ પ્રવાહો સાથે ચાલ્યા પણ તેના કાંઠા ભારતીય રાખ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ઇમારતોની રચનામાં પણ એક પ્રકારનો વાસ્તવવાદ આવ્યો.
ઝાઝો શણગાર નહિ, ઓછું મટીરીયલ અને ચોરસ,લંબચોરસ, ત્રિકોણ જેવા ભૌમિતિક આકારોની ભવ્યતા ધરાવતી ઇમારતો બની રહી હતી. કોન્ક્રીટના મોટા ચોસલા કે ઈંટોનું સીધું ચણતર જ દેખાય એવી ઇમારતો બીજા વિશ્વ યુદ્ધ પછીના આર્કિટેક્ટ જગતને આકર્ષી રહી હતી. બી વી દોશીએ તેમાં ભારતીયતા ઉમેરી. હવા અને પ્રકાશનો સંબંધ ઉમેર્યો.
આપણી આદતો અને લાગણીઓ પણ તેમાં ઉમેરી. પરિણામે એવા સ્થાપત્યો રચાયા જેમાં માણસ માણસ વચ્ચે સંવાદ પ્રેરાય. આનું ઉત્તમ ઉદાહરણ એટલે બીમનાગરના મકાનો. 3BHK, 2BHK, 1BHK ની પરંપરાગત વાડાબંધી તોડીને એક જ મકાનમાં અલગ અલગ વર્ગના લોકો સાથે રહી શકે તેવું આયોજન કર્યું. ઇન્દોરના અરણ્ય લો કોસ્ટ હાઉસિંગમાં પણ તે દેખાય છે.સમાજના છેલ્લામાં છેલ્લા માણસને પોસાય એવી કિંમતમાં ઘર મળે તેવી તેમની નેમ રહી છે. ધરતીથી કોઈ માણસ વેગળો નથી તો તેનું ઘર કેમનું હોઈ શકે ? આવા વિચારો સાથે દોશી કેટલાય મકાનોને ઘર બનાવતા ગયા.
હાલની તારીખમાં નોંધ લેવા જેવું અનોખું સ્થાપત્ય એટલે અમદાવાદની ગુફા . જાણીતા ચિત્રકાર એમ એફ હુસૈન સાથે તેમની મૈત્રી. હુસૈન એબ્સ્ટ્રેક્ટ આર્ટના નિષ્ણાત અને દોશી નક્કર સ્થાપત્ય વિજ્ઞાનના કલાકાર. ચિત્રકલાની પ્રવાહિતા અને સ્થાપત્ય કલાની સઘનતાનો લયમેળ કરીને બી વી દોશીએ ‘અમદાવાદની ગુફા’ની રચના કરી.
જાણીતા અમેરિકન આર્કિટેક્ટ લૂઈ કાન્હને અમદાવાદ લાવવાનું શ્રેય પણ દોશીના ફાળે જાય છે. IIM અમદાવાદની રચના પણ વૈશ્વિક આધુનિકતાનું પ્રતીક છે. કદાચ અમદાવાદ જ એક માત્ર એવું શહેર છે જ્યાં કોર્બુઝિયે, લુઈ કાન્હ, ચાર્લ્સ કોરિયા અને બી વી દોશી જેવા દિગ્જ્જાેના સ્થાપત્યો એક સાથે આસમાન સાથે વાતો કરી રહ્યા છે.
૧૯૫૬માં વાસ્તુશિલ્પની સ્થાપના કર્યા બાદ ૧૦૦થી વધુ જાહેર અને ખાનગી પ્રોજેક્ટ બી વી દોશીએ કર્યા. આ સ્થાપત્યોની યાદી પર નજર કરીએ તો લોક ભોગ્યતા જ સૌથી પહેલા દેખાશે. વિદ્યાર્થીઓ , મધ્યમ વર્ગ , કર્મચારીઓ વગેરે માટે પોતાની કળા અને જ્ઞાનનો ઉપયોગ તેમણે કર્યો છે. ૈંૈંસ્ બેંગ્લોર, નિફ્ટ દિલ્હી, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ , પ્રેમાભાઈ હોલ, ઇન્ડોલોજી મ્યુઝિયમ, ઇફ્કો ટાઉનશીપ ,વિદ્યા વિહાર નગર સહિત કેટલીય ઇમારતો પર દોશીની છાપ છે. તેમની પોતાની ઓફિસ “સંગાથ” પણ અચરજના પથ્થરો પર બની છે.
દુનિયાભરમાંથી તેમને પ્રેમ અને સમ્માન પ્રાપ્ત થયા છે. જાે કે બિલ્ડિંગમાં કોન્ક્રીટના ઉપયોગ સામે તેમની ટીકા કરનાર વર્ગ પણ છે. પરંતુ બી વી દોશી ચારે દિશાઓમાંથી પ્રાપ્ત થતા અભિપ્રાયોને સ્વીકારે છે. તેમના મતે કોઈ પણ સ્થાપત્ય ત્યાંના હવા-પાણી અને પરંપરાઓને અનુકૂળ હોવું જાેઈએ.
તેની અંદર રહેનાર માણસનો કુદરતથી સંપર્ક ના છૂટે તે તેનો હેતુ હોવો જાેઈએ. લોરી બેકર, ચાર્લ્સ કોરિયા , રાજ રેવાલ જેવા નામોના સમકાલીન બી વી દોશીના સર્જનના કેન્દ્રમાં માણસ જ રહ્યો છે અને એટલે જ તેમના સ્થાપત્યો એક અલગ અનુભવ પેદા કરે છે. આધુનિક અમદાવાદનો ઈતિહાસ અને ભારતના પ્રગતિશીલ આર્કિટેક્ટની તવારીખ બાલકૃષ્ણ દોશીના નામ વિના અધૂરી છે. પદ્મ વિભૂષણ તેમની યશગાથાની અનેરી કલગી છે.
બાલકૃષ્ણ દોશી આજે પણ દુનિયાભરના આર્કિટેક્ટ્સ માટે એક જીવતી વાર્તાની જેમ પથ્થરોની કવિતા લખી રહ્યા છે. જેને સાંભળવા આંખો અને વાંચવા માટે કાન જાેઈએ.
લેખકઃઉત્સવ પરમાર – નાયબ નિયામક, સમાચાર વિભાગ, દૂરદર્શન