કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી વિરૂધ્ધ અભિયાન શરૂ કર્યું
નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સતત વધતી મોંઘવારી માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલે કહ્યુ છે કે સરકાર સામાન્ય લોકોને મોંઘવારીના દલદલમાં ધકેલી રહી છે જેની સામે અવાજ ઉઠાવવો પડશે. રાહુલ ગાંધીએ ‘સ્પીકઅપ અગેઈન્સ્ટ પ્રાઈસ રાઈઝ'(વધતા ભાવો સામે બોલો) અભિયાન પણ શરૂ કર્યુ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે કરેલા પોતાના ટિ્વટમાં લખ્યુ છે – મોંઘવારી એક અભિશાપ છે. કેન્દ્ર સરકાર માત્ર ટેક્સ કમાવવા માટે જનતાને મોંઘવારીના દલદલમાં ધકેલી રહી છે. દેશના વિનાશ સામે પોતાનો અવાજ ઉઠાવો -અભિયાન સાથે જાેડાવ. રાહુલે આ સાથે લગભગ એક મિનિટનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં જણાવ્યુ છે કે કેવી રીતે સરકાર નવા ટેક્સ લગાવી રહી છે અને છેલ્લા અમુક દિવસોમાં પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને ખાનપાનની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.
રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા અભિયાન પર સ્પીકઅપ અગેઈન્સ્ટ પ્રાઈસ રાઈઝ અભિયાન શરૂ કરવા અને લોકોને આ સાથે જાેડાઈને મોંઘવારી સામે અવાજ ઉઠાવવાની અપીલ કર્યા બાદ ઘણા કોંગ્રેસ નેતા અને સામાન્ય લોકો આના પર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી મોંઘવારી માટે સતત સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે અને પોતાની સભાઓમાં આ મુદ્દાને ઉઠાવીને કેન્દ્ર સરકાર, ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીને ઘેરી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ છેલ્લા એક-દોઢ મહિનામાં ઘણા વધ્યા છે. પેટ્રોલ ઘણા શહેરોમાં ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયુ છે અને
ડીઝલ પણ ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયુ છે. વળી, એલપીજીના સિલિન્ડર તો છેલ્લા ત્રણ મહિનામાં ૨૦૦ રૂપિયાથી વધુ મોંઘા થઈ ગયા છે. ૧ ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી એલપીજી ગેસ સિલિન્ડર ૨૨૫ રૂપિયા મોંઘુ થયુ. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી જ્યાં ભાડુ વધુ મોંઘુ થઈ ગયુ છે ત્યાં એલપીજીના ભાવ વધવાથી રસોઈનુ બજેટ વધી ગયુ છે. આના માટે કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળો સતત સરકારને સવાલ કરી રહ્યા છે.