કોચરબ આશ્રમે મોહનને “મહાત્મા” બનાવવામાં ભૂમિકા ભજવી હતી
અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
જો દેશ ગાંધી માર્ગે ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ
અમદાવાદના કોચરબ આશ્રમ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે, કોચરબ આશ્રમે મોહનને મહાત્મા બનાવવાની ભૂમિકા ભજવી હતી.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જો દેશ ગાંધી માર્ગે ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ 7 દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દાંડી માર્ચ, દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે દુનિયાભરમાં નામ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, દાંડીયાત્રા વખતે કોમ્યુનિકેશનના કોઈ સાધનો ન હતા તો પણ ગાંધીજીનો સંદેશો લોકો સુધી પહોંચતા તેવી ગાંધીજીમાં એક પ્રચંડ શકિત હતી.
તેમણે કહ્યું કે, ગાંધીજીના માર્ગે દેશ શરૂઆતથી ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ન હોત. આ ઉપરાંત તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જે નવી શિક્ષણ નીતિ લાવ્યા છે તેમાં ગાંધીજીના વિચારો સમાવી લેવામાં આવ્યા છે.
પોતાના સંબોધનમાં તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, 12 માર્ચ 1930ના રોજ તેમણે અંગ્રેજોના મીઠા પર ટેક્સ લગાવવાના નિર્ણયના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તેના અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા દાંડી ગામ સુધીની 241 માઈલ લાંબી યાત્રા કરવામાં આવી હતી. 06 એપ્રિલ 1930ના રોજ ત્યાં પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
આ અવસરે રાજયસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ દાંડી સાયકલ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે. 1930 માં 12 માર્ચે સાબરમતી આશ્રમથી અંગ્રેજ શાસનની સામે જે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી
આજે એ જ રૂટ પર ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ થઈ રહયો છે. ગુજરાત વિદ્યાપીઠએ ગાંધીજીના આદર્શો અને વિચારો ને ઉજાગર કરવાનું કામ કરી રહી છે. ગાંધીજી કહેતા હતા કે આ દેશને સાચી આઝાદી ત્યારે જ મળશે જ્યારે ગામડાનો વિકાસ થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ દેશમાં અંગ્રેજોએ આપણને ગુલામી માં નાખ્યા ત્યારે ગુજરાતના બે પનોતા પુત્ર ગાંધી અને સરદારએ આ દેશને આઝાદી અપાવી. તેમણે આ અવસરે કાશ્મીર સમસ્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈએ કાશ્મીર સમસ્યાના ઉકેલની દિશામાં કામ કર્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડો. રાજેન્દ્રભાઇ ખીમાણી તેમજ કલેકટર શ્રી સંદીપ સાગલે, પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.