કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં વ્હાલા-દવલાની નીતિ
ઢાલગરવાડ, જાન સાહેબની ગલી તથા પટવા શેરીના બાંધકામ સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની રજૂઆતઃ દક્ષિણ ઝોનમાં પણ “વહીવટ” થયા હોય તેવા બાંધકામને બચાવી રહેલા અધિકારીઓ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડા ઝીંકવામાં આવી રહ્યા છે. પરંતુ મ્યુનિ.અધિકારીઓ કરતા ગેરકાયદેસર બાંધકામના પ્રણેતાઓ વધુ ચપળ અને સ્ફુર્તિલા સાબિત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા તોડવામાં આવતા એક અનઅધિકૃત બાંધકામ સામે નવા ચાર બાંધકામ થઈ રહ્યાં છે. શહેરના અનઅધિકૃત બાંધકામ સામે નવા ચાર બાંધકામ થઈ રહ્યા છે. શહેરના અનઅધિકૃત બાંધકામો મામલે ગાંધી-વૈદ્યનું સહીયારુ ચાલી રહ્યા હોવાના સતત આક્ષેપો થઈ રહ્યા છે. મ્યુનિ.એસ્ટેટ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી નવો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે.
જેમાં જે તે ઝોનમાં ચાલી રહેલા બાંધકામોના બદલે પૂર્ણ થવા આવેલા કે પૂર્ણ થયેલા બાંધકામો તોડવામાં આવે છે. શહેરના મધ્ય અને દક્ષિણ ઝોનમાં આ જ પધ્ધતિથી જૂના ગે.કાયદેસર બાંધકામ તૂટી રહ્યા છે. જ્યારે નવા બાંધકામ હેમખેમ પૂર્ણ થઈ રહ્યા છે.
શહેરના મધ્ય અને દક્ષિણ ઝોન ગેરકાયદેસર બાંધકામના હબ બની ગયા છે. મધ્ય ઝોનમાં હેરીટેઝ મિલ્કતો રીપેર કરવાના નામે કોમર્શીયલ બાંધકામ થઈ રહ્યા છે. રાયપુર ચકલા અને ખાડીયા વિસ્તારમાં આ પ્રકારના કામો મોટાપાયે ચાલી રહ્યા છે. જ્યારે ઢાલગરવાડ અને જમાલપુરમાં ૫૦થી ૬૦ ચો.મી.ના પ્લોટમાં ૬થી ૭ માળના બાંધકામ થી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ઢાલગરવાડમાં ખજૂર પોળની ગલીમાં ફીરદૌસ સીલેક્શનની બાજુમાં આઝાદ ફુટવેરના નામથી જાણીતા બાંધકામને ત્રણ-ત્રણ વખત સીલ કરવામાં આવ્યા બાદ પણ તેમાં કામ ચાલી રહ્યું છે.
તેવી જ રીતે ઢાલગરવાડમાં “ખન્ના” નામથી જાણીતા બિલ્ડરના બાંધકામ ચાલી રહ્યા છે. જ્યારે રાજ માર્કેટ પાસે ચાર માળનું આર.સી.સી.પ્રકારનું બાંધકામ પૂર્ણ થયું છે. આ બાંધકામને સીલ કરવામાં આવ્યું હોવા છતાં બિલ્ડર સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી. વીજળીઘર પાસે આવેલ જાનસાહેબની ગલીમાં સાત માળના બે બાંધકામ બેરોકટોક થી રહ્યા છે. પથ્થરકુવા પેટ્રોલ પંપની પાછળ પણ આઠ માળનું બાંધકામ ચાલી રહ્યું છે. આ તમામ બાંધકામના વહીવટ વર્તમાન અધિકારીઓને મળ્યા હોવાથી તેને તોડવામાં આવતા નથી. જ્યારે ઝોનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓના જેમાં વહીવટ થયા હતા તે બાંધકામ તૂટી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
શહેરના દક્ષિણ ઝોનની પરિસ્થિતિ પણ અલગ નથી. દક્ષિણ ઝોનના લાંભા, ઈસનપુર, બહેરમપુરા અને દાણીલીમડા વોર્ડમાં એસ્ટેટ અધિકારીઓની રહેમનજરે બાંધકામ થઈ રહ્યા છે. બહેરામપુરા સુએઝ ફાર્મ વિસ્તારમાં ૩૦૦ કરતા વધુ ગેરકાયદેસર ફેક્ટરી અને ગોડાઉન પ્રકારના બાંધકામ થયા છે. પીરાણા બ્લાસ્ટ હોનારત બાદ પણ બહેરામપુરાના સુએઝ ફાર્મના બાંધકામ તોડવામાં આવ્યા નથી. લાંભા વોર્ડના સરદાર પટેલ એસ્ટેટમાં મંજૂરી વિના ત્રણ બાંધકામ ચાલી રહ્યા છે.
જ્યારે આર.કે.એસ્ટેટના ગેરકાયદેસરને દૂર કરવામાં વોર્ડ ઈન્સ્પેક્ટરને કોઈ રસ નથી. આ બાંધકામને પૂર્ણ કરવાની જવાબદારી પણ વોર્ડ ઈન્સ્પેક્ટરે જ લીધી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. મણીનગર વોર્ડની લીટલ ફ્લાવર હોસ્પિટલનો કેસ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ગેરકાયદેસર બાંધકામ મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ૨૦૧૮-૧૯માં આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ડે.એસ્ટેટ ઓફીસર મનીષભાઈ માસ્તર મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને પી ગયા હતા.
હવે, પગલા લેવા દબાણ થી રહ્યું છે. ત્યારે દોષનો ટોપલો હેલ્થ ખાતા પર ઢોળી રહ્યા છે. તેવી જ રીતે ઈસનપુર વોર્ડમાં ડો.સૌરીન ઉપાધ્યાયની હોસ્પિટલમાં પણ બી.યુ.ઈસ્યુ થયા બાદ દબાણ થઈ ગયા છે. હોસ્પિટલના પાર્કીગમાં દબાણ થયા હોવાથી દર્દી અને તેમના સ્વજનોને જાહેર માર્ગ પર વાહન પાર્ક કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. તેમ છતાં દ.ઝોન એસ્ટેટ વિભાગ નિષ્ક્રિય સાબિત થયો છે.