કોટ વિસ્તારમાં થતાં ગેરકાયદેસર બાંધકામોથી ત્રસ્ત સ્થાનિક રહીશો હીજરત કરવા મજબૂર
સ્થાનિક રાજકારણીઓ અને બિલ્ડરોએ ૨૦૦ કરતાં વધુ હેરીટેજ મિલ્કતો નામશેષ કરી હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરને “સ્માર્ટ સીટી” કે “હેરીટેજ સીટી”ના દરજ્જાે મળ્યા હોવાની વાતોના મ્યુનિ.શાસકો ભલે બણગાં ફૂંકી રહ્યા હોય પરંતુ શહેર હજી સુધી ખરા અર્થમાં “સ્માર્ટ” બન્યુ નથી. જ્યારે યુનેસ્કો તરફથી “હેરીટેજ સીટી”નો દરજ્જાે મળ્યા બાદ ઐતિહાસિક મિલકતો નામશેષ થઈ રહી છે. શહેરના ખાડીયા વિસ્તારમાં હેરીટેજ મિલ્કતોની સંખ્યા વધારે છે.
પરંતુ સ્થાનિક રાજકારણીઓ, બિલ્ડરો, અધિકારીઓ અને વચેટીયાઓના કારણે હેરીટેજ મિલ્કતોનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. તેવી જ રીતે કોટ વિસ્તારમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામો પણ થઈ રહ્યા છે. જેના કારણે હવા-પાણી-પ્રદૂષણ, ટ્રાફિક અને પાર્કીંગ જેવી અનેક સમસ્યાઓથી નાગરીકો ત્રાસી ગયા છે તથા કોટ વિસ્તારમાંથી “હિજરત” કરવા મજબુર બની રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.
શહેરના ઐતિહાસિક મિલ્કતો મામલે શરૂઆતથી જ વિવાદ રહ્યો છે. ૨૦૦૦થી ૨૦૧૦ સુધીના સમયગાળા દરમ્યાન ૧૨૫૦૦ ઐતિહાસિક મિલ્કતો હોવાની જાહેરાત કરવામાં આવી હતી તથા તેના મરામત માટે પણ અલગ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. હેરીટેજ મિલ્કતોના સરવેની કામગીરી સેપ્ટને સોંપવામાં આવ્યા બાદ રાતોરાત ૧૦ હજાર હેરીટેજ મિલ્કતો ગાયબ થઈ ગઈ હતી સેપ્ટના સરવે મુજબ મધ્યઝોનમાં ૨૨૩૬ રહેણાંક તથા ૪૪૯ ઈન્સ્ટી.પ્રકારની ઐતિહાસિક મિલ્કતો છએ. જ્યારે ૪૯ મોન્યુમેન્ટ છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા હેરીટેજ સીટીના દરજ્જા માટે યુનેસ્કોમાં જે ડોઝીયર મોકલવામાં આવ્યું હતું તેમાં દર્શાવેલી હેરીટેજ મિલ્કતો પૈકી લગભગ ૩૦ ટકા કરતા વધુ મિલ્કતો ઓછી થઈ ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો કોટ વિસ્તારના રાજકારણીઓ, અધિકારીઓ અને બિલ્ડરોએ “જાદુ” કરી તેને ગાયબ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે હેરીટેજને પ્રોત્સાહન મળે તે માટે “હોમ સ્ટે”ની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તેનો દુરૂપયોગ કરી “હેરીટેજ હોટેલો” શરૂ થઈ ગઈ છે.
મ્યુનિ.કોર્પાેરેશનના ઉચ્ચ અધિકારીઓ પાસે આ તમામ ગોરખધંધાની માહિતી છે. તેથી લગભગ બે વર્ષ અગાઉ હેરીટેજ કમીટી દ્વારા ખાસ રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં કંસારાની પોળ, મહાજન વંડો જમાલપુર, વેરાઈપાળા પોળ, છીપાપોળ, શ્રી રામજીની શેરી, સરકીવાડ તથા ચાંદલાઓળમાં હેરીટેજ મિલ્કતોના સ્થાને કોમર્શીયલ બાંધકામો થઈ રહ્યા હતા તેથી તાત્કાલિક આ તમામ સ્થળે સીલ મારવા સૂચના આપી હતી. પરંતુ “શેઠની શિખામણ ઝાંપા સુધી” કહેવત મુજબ કમીટીની સૂચનાનું પાલન થયું નહતુ તથા હાલ આ તમામ સ્થળેથી હેરીટેજ મિલકતોના ગાયબ થઈ ગઈ છે.
કોટ વિસ્તાર ખાસ કરીને ખાડીયામાં માત્ર હેરીટેજ મિલ્કતો જ “ગાયબ” થતી નથી પરંતુ સામાન્ય નાગરીકોના “મકાનો” પણ ગાયબ થઈ રહ્યા છે. સ્થા.રાજકારણીઓ અને બિલ્ડરોના ઈશારે પોળના મકાનોને અધિકારીઓ ભયજનકની નોટિસ આપે છે. તથા કાયદાની ચુંગાલમાં ફસાવે છે. જેમાંથી બહાર નીકળવા અસમર્થ રહીશ પાસેથી સસ્તા ભાવે મકાન પડાવી કોમર્શીયલ બાંધકામો થાય છે.
કોટ વિસ્તારના તમામ વોર્ડમાં અનઅધિકૃત બાંધકામ થાય છે. પરંતુ ખાડીયામાં ભૂમાફીયાઓએ માઝા મૂકી છે. ખાડીયામાં બાંધકામો અને ખાણી-પીણીના દબાણોના કારણે નાગરીકો ત્રાહીમામ થઈ ગયા છે. ખાડીયાના “ખમીર”ને ભૂમાફીયાઓ પડકાર આપી રહ્યા હોય તેવો માહોલ છે.
ખાડીયા વોર્ડની સાંકડી ગલીઓમાં કોમર્શીયલ બાંધકામો થવાના કારણે ૨૪ કલાક લોડીંગ ટેમ્પો અને અન્ય વાહનોની અવર જવર રહે છે. ગેરકાયદેસર બાંધકામોના કારણે ઈમરજન્સી સમયે ૧૦૮ કે ફાયર ગાડીઓ જઈ શકે તેટલી જગ્યા પણ રહી નથી. કોમર્શીયલ મિલ્કતોની સંખ્યા વધી હોવાથી ૨૪ કલાક અવાજનું પ્રદૂષણ પણ રહે છે.
પોળના રહીશો માટે વાહન પાર્ક કરવાની જગ્યા ઉપર પણ ભૂ-માફીયાઓએ કબજાે કર્યા છે. ખાડીયાની વિસરતી જતી “ઓળખ”ને કાયમી રાખવા માટે કેટલાક જાગૃત નાગરીકો દ્વારા “શ્રેષ્ઠ ખાડીયા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ હેરીટેજ મિલ્કતો માટે કાયદાનો એકતરફી અમલ થઈ રહ્યો છે.
એસ્ટેટ વિભાગ દ્વારા કિન્નાખોરી રાખી પ્લાન મંજૂર કરવામાં આવી રહ્યા છે. બી.ડી.કોલેજ (સાંકડી શેરી), દિવાનજીની હવેલી, પોળ ખોલી, બાગબાન હવેલી, ફ્રેન્ચ હવેલી તથા અન્ય મંજૂર થયેલા પ્લાનોમાં ૮૦ ટકા કરતા વધુ પ્લાન ધંધાકીય એકમો ધરાવતા હોઈ મંજૂર કરવામાં આવ્યા છે.
હેરીટેજ રૂલ્સ મુજબ હેરીટેજ મકાનમાં કોઈપણ પ્રકારનું નવું ડેવલપમેન્ટ અથવા રિ-ડેવલપમેન્ટ કે ચેન્જ ઓફ યુઝ થઈ શકતા નથી. ખાડીયામાં હેરીટેજની સાથે-સાથે અન્ય મિલ્કતો પણ તૂટી રહી છે તથા ૨૪ કલાક ખાણી-પીણી દબાણોનો ત્રાસ, કોમર્શીયલ વાહનોના ઘોંઘાટ, પાણી-ડ્રેનેજ પ્રદૂષણ જાેવા મળે છે. આ વિસ્તારમાં ૨૪ કલાક અલગ-અલગ લોકોની અવરજવર રહેતી હોવાની સ્થાનિક રહીશોના શાંતિ-સલામતી જાેખમાઈ રહ્યા છે. જેના કારણે, ખાડીયાના રહીશો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યાં છે.