અમદાવાદઃ કોટ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદેસર હેરીટેજ હોટલો
“હોમ-સ્ટે” પોલીસીના નામે જર્જરીત મિલ્કતોને હેરીટેજ ઓપ આપી હોટેલ, હોસ્ટેલ, હવેલીના ચાલતા ધંધા |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં “હેરીટેજ વીક” ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓ “વર્લ્ડ હેરીટેજ સીટી”ના બિરૂદ ને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરી રહયા છે. જયારે હેરીટેજ સીટી અને હેરીટેજ વીકની આડમાં કેટલાક લોકો ધીકતો ધંધો કરી રહયા છે. તથા કોર્ટ વિસ્તારની ઐતિહાસિક સંસ્કૃતિને નુકશાન કરી રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશને “હેરીટેજ સીટી”નું બિરૂદ મળ્યા બાદ “હોમ-સ્ટે” નો નવો કન્સેપ્ટ શરૂ કર્યા છે. દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ કોટ વિસ્તારના હેરીટેજ મકાનોમાં રોકાણ કરી શકે છે. જેમાં મિલ્કતના માલિક પણ તે જ સ્થળે રહેતા હોવા જાઈએ તેવી શરતો પણ રાખવામાં આવી છે. પરંતુ ઉચ્ચ રાજકીય વગ ધરાવતા કેટલાક લોકો એ હેરીટેજના તમામ નીતિ-નિયમો ને અભરાઈએ મુકયા છે.
રહેણાંક મિલ્કતોનો બેરોકટોક કોમર્શીયલ ઉપયોગ કરી રહયા છે. જેના કારણે, આ પ્રકારની હેરીટેજ મિલ્કતોની આસપાસ રહેતા નાગરીકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઐતિહાસિક ઢાળની પોળના રહીશો આ મુદ્દે ઘણા સમયથી આ મુદ્દે લડત ચલાવી રહયા છે. મધ્યઝોનમાં હેરીટેજ મિલ્કતોને મુઠ્ઠીભર લોકોએ બાનમાં લીધી હોય તેવો માહોલ થઈ ગયો છે. કોટ વિસ્તારની જર્જરીત તથા મોટા ક્ષેત્રફળવાળી મિલ્કતોને કોઈ સંસ્થાના નામથી વેચાણ પર લઈ તેને આર્ટીફીશીયલ હેરીટેજ લુક આપવામાં આવે છે.
ત્યારબાદ “સ્ટે એટ હોમ” ના કાયદાની શરતોને નેવે મુકી તેમા હેરીટેઝ હવેલી હોટેલ, ગેસ્ટ-હાઉસ સ્ટડી-સેન્ટર, હોસ્ટેલના નામથી ધંધા શરૂ કરવામાં આવે છે. દેશ-વિદેશથી આવતા સહેલાણીઓને મોઘાભાવથી રૂમ ભાડે આપવામાં આવે છે. આ પ્રકારનો અનઅધિકૃત વ્યવસાય કરનાર લોકોના ટુરીઝમ વિભાગ સાથે સીધો સંબંધ હોવાથી તેમને હોટેલ બુકીગ મળી રહી છે.
ડીસેમ્બર ની શરૂઆતથી ઉતરાયણ સુધી વિદેશી સહેલાણીઓની હેરીટેજના નામે ખુલ્લેઆમ લુંટ થાય છે. સુત્રોના જણાવ્યા મુજબ આર્ટીફીશીયલ હેરીટેજ લુક આપી તૈયાર કરવામાં આવેલી હોટેલમાં એક રાત્રી રોકાણ માટે રૂ.ત્રણ હજારથી રૂ.આઠ હજાર સુધીના ભાડા લેવામાં આવે છે. તથા હેરીટેજ વોકના નામે વિદેશીઓ પાસેથી રૂ.૮૦૦ લેવામાં આવે છે.
આ પ્રકારની કૃત્રિમ હેરીટેજ મિલ્કતો તથા વિદેશી સહેલાણીઓના ફોટોગ્રાફસ વેબસાઈટ પર મુકી તેના એકઝીબીશન અને ડેવલપમેન્ટ ના નામે મોટા ફંડ પણ ઉઘરાવવામાં આવે છે. વિદેશી સહેલાણીઓ આવે તે સમયે સ્થાનિક સંસ્થાઓને બોલાવી નાના મોટા કાર્યક્રમોના આયોજન કરે છે. તથા તેના ઓથા હેઠળ પણ તગડી કમાણી કરે છે.
જયારે દેશ-વિદેશના સહેલાણીઓ આવતા ન હોય તેવા સમયે ટી.વી. સીરીયલ કે ફીલ્મોના શુટીંગ માટે આ પ્રકારની હવેલીઓ કે હોટેલો ભાડે આપવામાં આવે છે. પોળોની સાંકડીગલીઓમાં જયાં મોટા બે વાહનો સામ-સામેથી પસાર થઈ શકતા નથી. તેમાં મોટા કોમર્શીયલ વાહનો અને જનરેટરો લઈને દિવસ-રાત શુંટીગ કરવામાં આવે છે. જેમાં પોલીસ વિભાગની પણ રહેમ નજર હોય છે.
તેથી પોળના રહીશો વિરોધ કરે ત્યારે “ચોર કોટવાળ ને દંડ” જેવો ઘાટ પણ થતો હોય છે. કોર્ટ વિસ્તારમાં આ પ્રકારના ધંધા ઘણા વર્ષોથી ચાલી રહયા છે. આવો વ્યવસાય કરનાર લોકો પાસે હોટેલના લાયસન્સ હોતા નથી. તથા કોઈપણ પ્રકારના સરકારી ટેક્ષ પણ ભરતા નથી. મ્યુનિસિપલ અધિકારીઓ (હેરીટેજ કમીટી) આ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરે છે.
આસ્ટોડીયા વિસ્તારમાં ઓલ ઐતિહાસિક ઢાળની પોળના રહીશો પોળ અને હેરીટેજ કલ્ચરને નુકશાન કરનાર લોકો સામે લડત ચલાવી રહયા છે. ઢાળની પોળના રહીશોએ જાન્યુઆરી ર૦૧૯માં મુખ્યમંત્રી વિજય રૂપાણી મ્યુનિ.કમીશ્નર શહેર પોલીસ કમીશ્નર તથા ટુરીઝમ ડીપાર્ટમેન્ટને આ મુદ્દે પત્ર લખ્યો હતો. તથા પોળમાં હેરીટેજના નામે ચાલી રહેલ હોટેલ, ગેસ્ટહાઉસ કે અન્ય પ્રવૃત્તિઓ બંધ કરાવવા વિનંતી કરી હતી.
પરંતુ પોળના હજારો રહીશો કરતા આવા ધંધા કરનાર મુઠ્ઠીભર લોકો વધુ તાકાતવર સાબિત થઈ રહયા છે. પોળ ના રહીશોના જણાવ્યા મુજબ તેઓ સ્વયંભુ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરી રહયા છે. પરંતુ કેટલાક લોકો રૂપિયાના જારે આર્ટીફીશીયલ હેરીટેજ મિલ્કતો ઉભી કરીને મુળ ધરોહરને નુકશાન કરી રહયા છે.
આ પ્રકારના વ્યવસાય ની શરૂઆત “ખીઝડા શેરી”માં થઈ હતી. તે સમયે કેન્દ્ર સરકાર મદદ કરતી હોવાથી બહારથી આવેલ એક સંસ્થાના મહીલા ડીરેકટર અનુપા મહેતા એ હેરીટેજ અને સ્ટડીના નામ પર “ફ્રેન્ચ હવેલી” બનાવી હતી તેમાં સ્ટડીના નામે વિદેશથી આવતા વિધાર્થીઓ માટે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું હતું. આ ધંધો માફક આવી જતા બીજા લોકો પણ તેમાં કુદયા હતા.
તથા તેની બાજુમાં જ “બાગબાન હવેલી” ના નામથી હોટેલ ગેસ્ટહાઉસ શરૂ કરવામાં આવ્યું છે. જે રાજીવ પટેલ નામની વ્યકિત ચલાવી રહયા છે. તેઓ સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. તેથી “સ્ટે એટહોમ” ના જે નિયમ છે તેનો અમલ થતો નથી. ઢાળની પોળમાં આ બે ઉપરાંત ખીજડા શેરીમાં જ બાવીસી હોસ્ટેલ તથા બાગબાન હવેલી-ર પણ ચાલી રહયા છે.
ચોકાવનારી બાબત એ છે કે સર્વ નંબર ર૬૭પ માં “બાગબાન” ના નામથી જે હોટેલ/ગેસ્ટહાઉસ ચાલી રહયા છે તેનો હેરીટેજ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો જ ન હતો. પરંતુ જર્જરીત મકાનને આટોરીશીયલ હેરીટેજ ઓપ આપ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશનની હેરીટેજ કમીટી સમક્ષ રજુઆત કરી હતી.
હેરીટેજ કમીટીએ સદ્દર મિલ્કતોનો હેરીટેજ મિલ્કતોમાં સમાવેશ કરવા માટે સ્ટે.કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરી હતી. જેને ૦૬ મહીના સુધી મંજુરી આપવામાં આવી ન હતી. પરંતુ “ગોઠવણ” થઈ ગયા બાદ આ પ્રકારની આઠ મિલ્કતોનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સામાજીક કાર્યકર અને આર.ટી.આઈ.એકટીવીસ્ટ મિશન સિંગાપોરવાળાના જણાવ્યા મુજબ કોટ વિસ્તારમાં બાગબાન ઉપરાંત દોશીવાળાની પોળમાં ગોપીનાથજીની હવેલીની બાજુમાં આવેલી મિલ્કતો તથા સાંકડીશેરીમાં દિવાનજી હવેલીનો પણ આ રીતે સમાવેશ થયો છે. આ ત્રણેય મિલ્કતના માલિક રાજીવ પટેલ છે.
જયારે ગંગાધીયાની અભય મંગળદાસ ની મિલકતોના પણ પાછળથી સમાવેશ કરવામાં આવ્યો છે. તદ્ઉપરાંત દેસાઈની પોળમાં જયદીપમહેતા ની મિલ્કતને પણ સતાધીશો દ્વારા હેરીટેજ જાહેર કરવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમીટીનો સદ્દર નિર્ણય વિવાદાસ્પદ છે. નોધનીય બાબત એ છે કે આ તમામ મિલ્કતોમાં હોટેલ, હોસ્ટેલ કે ગેસ્ટહાઉસની જેવી કોર્મશીયલ પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં તેની ટેક્ષ આકારણી રહેણાંક તરીકે કરવામાં આવતી હતી.
આ અંગે ટેક્ષ ખાતાને ફરીયાદ કરવામાં આવ્યા બાદ તેમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં તમામ મિલ્કતોની કોમર્શીયલ આકારણી થઈ નથી.
ઢાળની પોળમાં જ જર્જરીત મિલ્કતો તોડીને આંતરીક-બાહ્ય ફેરફાર કરવામાં આવ્યા છે. તે તમામ મિલ્કતો ૧૦૦ મીટરની ત્રિજયામાં આવે છે. આર્કીયોલોજી વિભાગની પરવાનગી વિના જ બાંધકામ થયા છે. ચોકાવનારી બાબત એ છે કે કોટ વિસ્તારમાં આ પ્રકારથી દસ કરતા વધુ સ્થળે હોટેલ, હોસ્ટેલ કે ગેસ્ટહાઉસ ચાલી રહયા છે તે તમામ રહેણાંક મિલ્કતો હતી.
રહેણાંક મિલ્કતોનો કોમર્શીયલ ઉપયોગ થઈ રહયો હોવા છતાં મધ્યઝોન એસ્ટેટ વિભાગ કે હેરીટેજ કમીટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. મધ્યઝોનની રર૦ હેરીટેજ મિલ્કતોનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું હોવાના દાવા થાય છે. પરંતુ તેમાં આ મિલ્કતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ કેટલીક મિલ્કતોમાં લીસ્ટ પણ મુકવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.