કોન્ટ્રાક્ટર્સ માગણી ન ઉકલે તો ટેન્ડર્સથી અળગા રહેશે
અમદાવાદ, ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, નિગમો, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટો વિભાગ, પોલીસ આવાસો, નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગોમાં કોન્ટ્રાકટરો વર્ષોથી જુના ભાવે કામો કરી રહ્યાં છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા કારીગરો અને મજૂરીનાં ભાવોમાં આશરે ૩૦% થી ૪૦% જેટલો ભાવ વધારો થયેલ છે. જેથી ચાલુ કામો કોન્ટ્રાકટરો દ્ધારા જુના ભાવે પુરા કરવા શક્ય નથી.
તેથી ભાવ વધારો મેળવવા સરકારમાં રજુઆત કરવા તથા અન્ય પ્રશ્નો અંગે તાકીદના પગલા ભરવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની મીટીંગ ૨૨ નવેમ્બર ૨૦૨૧ના રોજ અમદાવાદ ખાતે મળી હતી. તેમજ આ અંગે સરકારમાં યોગ્ય રજુઆત કરવા અને જરૂર પડે અન્ય જલદ પગલા ભરવા ઠરાવવામાં આવ્યુ હતું.
તેના અનુસંધાનમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ ગુજરાત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને સાત ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રૂબરૂ મળી આવેદનપત્ર આપેલ હતું. જેમા ભાવ વધારા અંગે તેમજ કોન્ટ્રાકટરોના અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા સમય ફાળવવા પણ લેખિત તથા મૌખિક વિનંતી કરવામાં આવી હતી.
આમ છતાં સરકાર તરફથી કોઇ હકારાત્મક ઉકેલ ન આવતા ગુજરાત રાજ્યના કોન્ટ્રાકટરોની તાકીદની મીટીંગ સોમવારે બોલાવવામાં આવી હતી. તેમાં ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારો. આયાતી ડામર વપરાશ માટેના નવા જી.આર. અંગે. સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ (એસબીડી)નો અમલ કરાવવા બાબત. ચાલુ કામોમાં જીએસટી વધારાની ભરપાઇ.
ટેન્ડરોની કિંમત જીએસટી સિવાયની કરવા બાબત. શિડ્યુલ ઓફ રેટ્સ (એસઓઆર) અપડેટ કરવા બાબત. અન્ય પડત્તર પ્રશ્નોના નિરાકરણ બાબત સહિતના પ્રશ્નો અંગે ચંર્ચા કરવામાં આવી હતી.
ઉપરોક્ત પ્રશ્નો અંગે ચર્ચા કરી સરકાર દ્ધારા યોગ્ય ર્નિણય લેવામાં ન આવે તો તબક્કાવાર પગલાં ભરવાની પણ વિચારણા કરવામાં આવી હતી. જેમાં પહેલા તબક્કામાં બધા જ કોન્ટ્રાક્ટરો ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર પ્રક્રિયાથી અલીપ્ત રહેશે, તેમ છતાં પણ કોઈ ઉકેલ ન આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામો બંઘ કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.SSS