કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો કોઈ ઈરાદો નથી
મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબ્સિડિયરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ તરફથી આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ અને કંપનીની સંપત્તિમાં તોડફોડને રોકવા માટે સરકાર તાત્કાલિક દખલગીરી કરે તેવી માંગણી કરી છે. આવી પ્રવૃત્તિને કારણે બંને રાજ્યમાં કંપનીના હજારો કર્મચારીઓની જિંદગી જાેખમમાં મૂકાઈ છે.
એટલું જ નહીં, અસરને પગલે કોમ્યુનિકેશનમાં અનેક મુશ્કેલી પડી રહી છે. કંપનીના આઉટલેટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેલ્સ, સર્વિસને પણ અસર પહોંચી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી ચોથી જાન્યુઆરીના રોજ કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેટ કે કોન્ટરાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીનની ખરીદી કરી નથી. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જમીન ખરીદવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી.
આરઆઈએલ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ખેડૂતો અને સપ્લાયર્સ પાસેથી સામાનની સીધી ખરીદી પણ કરતી નથી. કંપની ખેડૂતો પાસેથી ફક્ત મિનિમમ સપોર્ટ પ્રાઇસ (ટેકાના ભાવે) જ ખરીદી કરે છે. કંપની તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે અમારો એવો આગ્રહ રહેશે કે અમારા સપ્લાયર્સ હાલની ટેકાના ભાવની વ્યવસ્થાને વળગી રહે.
એટલું જ નહીં, ભવિષ્યમાં સરકાર આ માટે જે પણ વ્યવસ્થા લાગૂ કરે તેને પણ ચુસ્ત રીતે અનુસરે. રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી ખોટો ફાયદો ઉઠાવવા માટે લાંબા સમયના કોન્ટ્રાક્ટ કર્યાં નથી અને તેમના સપ્લાયર્સ પણ નક્કી કરવામાં આવેલી કિંમત કરતા ઓછા ભાવે ખરીદી ન કરે તે સુનિશ્ચિત કરે છે. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં.