કોન્ટ્રેક્ટ ફાર્મિંગ નહીં કરીએ, કોઈની જમીન નહીં લઇએ, નવા કૃષિ કાયદા અંગે રિલાયન્સે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી, નવા કૃષિ કાયદા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવાના નતી કે કોઇની જમીન પણ આંચકી લેવાના નથી.
નવા કૃષિ કાયદા સામે છેલ્લાં ત્રીસ પાંત્રીસ દિવસથી દિલ્હીના સીમાડે ચાલી રહેલા આંદોલનના સંદર્ભમાં રિલાયન્સે આ સ્પષ્ટતા કરી હતી. સાથોસાથ પંજાબ અને હરિયાણામાં રિલાયન્સની સ્થાવર સંપત્તિની થયેલી તોડફોડ અંગે કંપનીએ હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી અને આવી તોડફોડ રોકવાની વિનંતી કરી હતી.
રિલાયન્સે વિગતવાર ખુલાસો કરતાં કેટલાક મુદ્દા સ્પષ્ટ કર્યા હતા જેમ કે રિલાયન્સે કદી કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કર્યું નથી અને ભવિષ્યમાં કરવાની કોઇ યોજના નથી. પંજાબ કે હરિયાણા જ નહીં, દેશના કોઇ પણ વિસ્તારમાં કોઇ ખેડૂતની જમીન લેવાની અમારી યોજના નથી. રિલાયન્સના રિટેલ સ્ટોર્સમાં વેચાતા અનાજ, શાકભાજી, કઠોળ અને અન્ય ચીજો રિલાયન્સ કદી ખેડૂતો પાસેથી સીધી ખરીદતી નથી. રોજિંદા વપરાશની તમામ ચીજો સ્વતંત્ર ઉત્પાદકો અને સપ્લાયર્સ તરફથી કંપનીને પૂરાં પાડવામાં આવે છે. કંપનીએ ક્યારેય ખેડૂતોનો ગેરલાભ લેવા માટે કોઇની સાથે કોઇ કરાર કર્યા નથી કે કરવાની નથી. અમે અમારા સપ્લાયર્સને પણ એવું કહ્યું નથી કે ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદીને અમને માલ આપો. રિલાયન્સ ખેડૂતોને ધરતીના તાત અને અન્નદાતા ગણે છે જે આ દેશના એક કરોડ ત્રીસ લાખ લોકોનાં પેટ ભરે છે. રિલાયન્સને ખેડૂતો માટે પૂરતો આદર અને માન છે.
રિલાયન્સ પોતાના સપ્લાયર્સને સરકારે ઘડેલા નિયમોનું પાલન કરવાની અને ટેકાના લઘુતમ ભાવને વળગી રહેવાની તાકીદ કરે છે. દેશના કોઇ પણ ખેડૂતને એક પૈસાનું પણ નુકસાન થાય એવું કોઇ પગલું રિલાયન્સ કદી નહીં ભરે. ખેડૂતો ઉપરાંત આમ આદમીને પણ લાભ થાય એવી રીતે જ રિલાયન્સ પોતાનું કામકાજ આગળ વધારશે.