કોન્સ્ટેબલે ઘરમાં ચાર્જિંર્ગમાં મુકેલો મોબાઈલ ચોરી થયો
અમદાવાદ: સામાન્ય નાગરિકોના ઘરમાં ચોરી થાય કે બહાર કોઈ વસ્તુની ચોરી થાય ત્યારે પોલીસ અરજી લેતા હોય છે. તપાસ કરવાનું કહી વસ્તુ મળી જશે તેવો દિલાસો આપી બાદમાં ફરિયાદ નોંધે છે અથવા ચોર પકડાય તો જ ફરિયાદ નોંધવાના અનેક કિસ્સા જાેવા મળતા હોય છે. પરંતુ એક પોલીસ કોન્સ્ટેબલ ના ઘરમાં જ ચોરી થતા
“હમારી જેલ મેં સુરંગ?” જેવો ઘાટ ઘડાતા તાત્કાલિક ફરિયાદ પોલીસે નોંધી છે. આનંદનગર પોલીસસ્ટેશનના એક કોન્સ્ટેબલ એક જ ફ્લેટમાં તેમના મિત્રો સાથે રહે છે અને નાઈટ ડ્યુટી પતાવીને સાતેક વાગ્યે સુઈ ગયા હતા. પણ તેઓની બેદરકારી એટલી હતી કે તેમણે આવીને દરવાજાે પૂરો બંધ કર્યો ન હતો અને આડો દરવાજાે રાખી સુઈ ગયા હતા. સાડા સાતેક વાગ્યે અન્ય મિત્ર જાગ્યો અને ફોન ન જણાતા ત્રણેય મિત્રોના ફોન ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.
મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના સીયાણી ગામમાં રહેતા અને હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સ્વપ્ના એપાર્ટમેન્ટમાં રહેતા વિક્રમસિંહ પરમાર પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તેઓ હાલમાં આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરમાંથી ચોરી થઈ હતી. વિક્રમસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અને તેમની સાથે રૂમમાં રહેતો તેમનો મિત્ર કમલેશ તથા ત્રીજાે મિત્ર મયુર જાદવ વહેલી સવારે પોતાના ઘરે હતા.
વિક્રમસિંહ પોતાની નાઇટ ડ્યુટી પુરી કરી સવારે સાતેક વાગ્યાના સુમારે તેમના રૂમ પર ગયા હતા. અને હોલનો મુખ્ય દરવાજાે આડો કરી ફોન ચાર્જમાં મૂકી મુખ્ય હોલમાં બેડ ઉપર સૂઈ ગયા હતા. તેમની બાજુમાં તેમના મિત્ર મયુર જાદવ પણ સૂતો હતો. અન્ય મિત્ર કમલેશ અંદરના રૂમમાં સૂતો હતો. બાદમાં સાડા સાતેક વાગ્યાની આસપાસ મયુર જાદવને તેની નોકરીનો સમય હોવાથી ઉઠયો હતો
જાેયું તો તેનો ફોન ઘરમાં જણાઈ આવ્યો ન હતો. જેથી મયુરે વિક્રમસિંહને જગાડ્યા હતા અને વિક્રમસિંહે તેમનો ચાર્જમાં રાખેલો ફોન જાેતાં તે પણ જણાઈ આવ્યો ન હતો. તમામ લોકોએ ઘરમાં શોધખોળ કરી હતી એટલામાં કમલેશ પણ જાગી ગયો હતો અને તેનો ફોન પણ રૂમમાં જણાયો ન હતો. જેથી આડા કરેલા અર્ધ ખુલ્લા દરવાજાથી કોઈ અજાણી વ્યક્તિ રૂમમાં ઘુસી ૩ મોબાઇલ ફોન ચોરી ફરાર થઈ ગયો હોવાની શંકા જતા વિક્રમસિંહ પરમારે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.