કોફી પીવા જતાં ગાડીમાંથી લેપટોપ લઈને શખ્સ ફરાર
અમદાવાદ: અમદાવાદ શહેરના એસજી હાઇવે પર બિલાડીની ટોપ ની માફક કોફી શોપ ખુલી ગયા છે. અહીં આવનાર લોકો નજીકમાં જ્યાં જગ્યા મળે ત્યાં જ વાહનો મૂકીને કોફી કે નાસ્તાની લિજ્જત માણવા જતા હોય છે. અગાઉ આ જ રીતે વાહન મૂકીને બેદરકારી દાખવનાર વાહન ચાલકોના વાહન કે વાહનમાંથી કોઈ વસ્તુઓ ચોરી થઈ હતી.
ત્યારે વધુ એક આવી ઘટના બની છે. જેમાં એક બેન્ક મેનેજર કોફી પીવા ગયા હતા અને વીસેક મિનિટ રહીને આવ્યા તો કારનો કાચ તોડી શખશો ૫૦ હજારનું લેપટોપ ચોરી ફરાર થઈ ગયા હતા.
ત્યારે એસજી હાઇવે પર કોફી બાર પર બેસવા જનાર લોકો માટે આ તમામ કિસ્સા ચેતવણીરૂપ બન્યા છે. મહારાષ્ટ્રમાં રાહેત નિશાંત ભાઈ પટેલ ખાનગી બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૮મીએ તેઓ તેમના પત્ની અને સાસુ સાથે અમદાવાદ આવ્યા હતાં. લોકડાઉનમાં તેમના સાસુ મુંબઈ ખાતે રોકાઈ જતા તેઓને ગોતા ખાતે મુકવા કારમાં આવ્યા હતા. પરંતુ ઘર ઘણા સમયથી બંધ હોવાથી તેઓ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે રોકાયા હતા. બાદમાં નિશાંત ભાઈ તેમના પત્ની અને મિત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા હતાં.
ત્યાંથી પરત ફરી નિશાંત ભાઈ તેમના પત્ની સાથે ગોયલ પ્લાઝા પાસે આવેલા શંભુ કોફી બાર ગયા હતાં. ત્યાં વીસેક મિનિટ રોકાયા અને કોફી પીને પરત હોટલ જઈ રહ્યા હતા. ત્યારે કાર પાસે પરત આવતા કારની પાછળના સાઈડના દરવાજાનો કાચ તૂટેલો હતો. કારમાં જાેયું તો ૫૦ હજારનું લેપટોપ અને નિશાંતભાઈ તથા તેમના પુત્રના અનેક ડોક્યુમેન્ટ ગાયબ હતા. બાદમાં તેઓએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.