કોબા જૈન તિર્થસ્થાન દ્વારા રામ મંદિર માટે રજ-જળ અર્પણ
અમદાવાદ: ૫૦૦ વર્ષના સંધર્ષ બાદ, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ ખાતે ભગવાન રામલાલાનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી પવિત્ર સ્થળોની માટી તથા નદીઓનું જળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકત્ર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જે અંતર્ગત કર્ણાવતી સ્થિત જૈન તીર્થ સ્થાન, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતેથી પણ રાષ્ટ્રસંતશ્રી ના આશીર્વાદ સાથે સંસ્થાના ટ્રસ્ટશ્રીઓ દ્વારા રજ અને જળ અર્પણ કરેલ.
આ પ્રસંગે રાષ્ટ્રીયસંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય અમૃતસાગરજી મહારાજ, આચાર્ય વિવેકસાગરજી મહારાજ, ગણિવર્ય પ્રશાંતસાગરજી મહરાજ સાહેબ ની નિશ્રામાં વિહિપના ગુજરાત ક્ષેત્રના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને પ્રભુ શ્રી રામની હિત શિક્ષા નું શ્રવણ કરેલ અને શુભ મંગલ કામનાઓ પાઠવેલ તથા શ્રી મહાવીર જૈન આરાધા કેન્દ્ર સંસ્થા દ્વારા અતિથિ નું સ્વાગત રજનીભાઈ શાહે કર્યું હતું.
રાષ્ટ્રસંત આચાર્યશ્રીએ કહ્યું કે ભગવાન મહાવીરની ચરણરજથી પાવન થયેલ અયોધ્યાની ભૂમિ, જૈન ધર્મના ઋષભદેવ સહિત પાંચ તીર્થંકરો ની જન્મભૂમિ હોવાના કારણે જૈન તીર્થસ્થાન તરીકે પણ ઓળખાય છે. આજે પુનઃ રામમંદિર નું
નિર્માણ થઈ રહ્યું છે, તે સમગ્ર વિશ્વના જૈન સમાજ માટે પણ આનંદની વાત છે.
આ બાબતે વધુ વાત કરતા વિશ્વ હિન્દુ પરિષદ ના સમનવ્ય મંચના પ્રમુખ શ્રી કેતનભાઇ શાહે જણાવ્યું કે સમગ્ર દેશમાં વિહિપ મંદિરોની સાથે દેરાસરો, ગુરુદ્વારાઓ તથા બૌદ્ધમઠોની પવિત્ર માટી પણ હાલમાં એકત્ર કરી રહ્યા છીએ
જે રીતે વિહિપના નેતૃત્વમાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ વગેરે લોકોએ એકસાથે મળી અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે આંદોલન ચલાવ્યું હતું અને બલિદાનો પણ આપ્યા હતા, તેમ અયોધ્યામાં આ મંદિર પણ સમગ્ર હિન્દુ સમાજ ને જોડી રાખવાનું કાર્ય કરશે. ભારતના બંધારણમાં છપાયેલ રામાયણના ચિત્રનું ઉદાહરણ આપી ભગવાન શ્રીરામને આ દેશના નાગરિકોના જીવનના આદર્શ સમાં મર્યાદાપુરુષોત્તમ ગણાવ્યા હતા.