કોમન GDCRનો અમલ કરી ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રની વિસંગતતાઓ દૂર કરાશે
‘સૌ માટે ઘર’ નું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ક્રેડાઇ)ના ગુજરાત ચેપ્ટરની ગ્રોથ એમ્બેસેડર સમીટ-૧૯માં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું કે, વડાપ્રધાનનું ‘સૌ માટે ઘર’નું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શ્રી નીતિનભાઈએ કહ્યું કે, બાંધકામક્ષેત્રના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વમાં મહેસૂલના ક્ષેત્રમાં નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવામાં આવી રહી છે.
મહેસૂલમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વમાં પારદર્શક વહીવટ માટે થઈ રહેલા પ્રયાસોનો ચિતાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પાદર્શકતા અને ગતિશીલતા માટે ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ‘’સીએમ ડેશબોર્ડ’’નો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં વિવિધ માપદંડોને આધારે વહીવટીતંત્રને વધુ પારદર્શક અને સ્પર્ધાત્મક બનાવવામાં આવી રહ્યું છે.
શ્રી કૌશિકભાઈએ મહેસૂલ વિભાગને જંગી બજેટ ફાળવવા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
તેમણે મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં મહિલાઓને આપેલી રાહતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સરકારના આ નિર્ણયના પગલે સામાજિક ક્રાંતિ સર્જાઈ છે અને રાજ્યમાં ૨૪ લાખથી વધુ મિલકતોના દસ્તાવેજ બહેનોના નામે થયા છે.
ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે, ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. શ્રી પટેલે કહ્યું કે, ગુજરાતે ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે આંક દેશના ગ્રીન એનર્જી ઉત્પાદનના ૨૦ ટકા જેટલો થવા જાય છે.
ઊર્જામંત્રીશ્રીએ ગુજરાત સરકારની રૂફટોપ સોલર પોલીસીની રૂપરેખા આપી પ્રજાને રાજ્ય સરકારની સ્વચ્છ ઉર્જા ઉત્પાદનની ઝુંબેશમાં જોડાવા માટે આહવાન આપ્યું. તેમણે કહ્યું કે, ગ્રીન-ક્લીન એનર્જી અંગે લોકોમાં જાગૃતિ ઉભી થઈ રહી છે અને હાલ દરરોજ રૂફટૉપ સ્કીમમાં દરરોજ હજારથી પંદરસો અરજીઓ મળી રહી છે.
ક્રેડાઇ દ્વારા બાંધકામ અને સંલગ્ન વ્યવસાયમાં ૧૫ જેટલી વિવિધ કેટેગરીમાં નોંધપાત્ર સફળતા મેળવનાર વ્યવસાયકારોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રોથ એમ્બેસેડર એવોર્ડ અર્પણ કર્યા હતા અને ક્રેડાઇ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગુજરાત ગ્રોથ લીડરશીપનો વિશેષ ગૌરવપૂર્ણ એવોર્ડ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલને ગ્રોથ કેટેલીસ્ટ એવોર્ડ અને ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ તથા મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલને ગ્રોથ એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમિટમાં ક્રેડાઇના પદાધિકારીઓ તેમજ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી અને રેરા ઓથોરિટિના ચેરમેન ડૉ.અમરજીતસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.