કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૫ સુધીનો વધારો
દિલ્હી: દેશભરમાં વધતી મોંઘવારીના વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના મોરચા પર ડિસેમ્બરમાં પણ રાહત આપી છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ જાહેર થયેલા રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ એસપીસીએલ, બીપીસીએલ, આઈઓસીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે, ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૫ રૂપિયા સુધીનો વધારો થયો છે.
આ પહેલા છેલ્લીવાર ૧૪ કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં જુલાઈ ૨૦૨૦માં ૪ રૂપિયાનો વધારો થયો હતો. આ પહેલા જૂન દરમિયાન દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા મોંઘો થઈ ગયો હતો, જ્યારે મે મહિનામાં ૧૬૨.૫૦ રૂપિયા સુધી સસ્તો થયો હતો.
દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આઈઓસીની વેબસાઇટ પર આપેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. જો દિલ્હીની વાત કરીએ તો હજુ ૧૪.૨ કિલોવાળા સબ્સિડીવાળા ગેસ સિલિન્ડર ૫૯૪ રૂપિયામાં મળી રહ્યો છે.
બીજી તરફ જો મુંબઈમાં સબ્સિડીવાળા સિલિન્ડરના ભાવ જોઈએ તો જાણવા મળશે કે ત્યાં પણ ૫૯૪ રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ ચેન્નઇમાં ભાવ ૬૧૦ રૂપિયા છે અને કોલકાતામાં તેના માટે ૬૨૦ રૂપિયા ચૂકવવા પડશે. ડિસેમ્બર મહીના માટે ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં સૌથી વધુ ૫૬ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. હવે અહીં એક કોમર્શિયલ સિલિન્ડર માટે ૧૪૧૦ રૂપિયા આપવા પડશે.
આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં ૫૫ રૂપિયાનો વધારો થયો છે. અહીં તેનો ભાવ ૧૨૯૬ રૂપિયા છે. કોલકાતા અને મુંબઈમાં પણ ૫૫ રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ ૧૩૫૧ અને ૧૨૪૪ રૂપિયા છે. રાંધણ ગેસના ભાવ ચેક કરવા માટે આપને સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિનાના નવા ભાવ જાહેર કરે છે. આ લિંક પર જઈને તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.