કોમેડિયન મુનવ્વર ફારૂકીને મળ્યા જામીન

ઈન્દોરઃ કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠે તેની જામીન અરજીને ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમિયાન મુનવ્વર ફારૂકીના જામીન મંજૂર કરી દીધા છે.
તેની સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી આ મામલામાં જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે, મુનવ્વર ફારૂકી પર આરોપ છે કે તેણે એક કોમેડી શોમાં હિન્દુ દેવ-દેવતાઓ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત બીજા નેતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગત એક મહિનાથી સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી કેન્દ્રીય જેલમાં કેદ હતો. જામીન માટે તેણે ઈન્દોર જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ બંને કોર્ટમાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
આ મામલામાં મુનવ્વર ફારૂકી તરફથી વકીલ વિવેક તંખા અને અંશુમન શ્રીવાસ્તવ કેસ લડી રહ્યા છે. તેઓેએ કહ્યું કે મુનવ્વર ફારૂકી દ્વારા ઈન્દોરમાં આ પ્રકારની અભદ્ર ટિપ્પણી નહોતી કરવામાં આવી. પરંતુ કોર્ટે તેમની વાત માની નહીં.
નોંધનીય છે કે, નવા વર્ષ પર 56 દુકાન સ્થિત મુનરો કેફેમાં મૂળ ગુજરાતના સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેની જાણકારી મળતાં જ હિન્દુ સંગઠનના નેતાએ યૂ-ટ્યૂબ પર ઉપલબ્ધ વીડિયોમાં કથિત રીતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી કોમેડીને જોતાં ટિકિટ લઈને શોમાં સામેલ થયા હતા.