કોમ્પલેક્ષ-ફેકટરી-સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ વતનમાં
કોરોનાને કારણે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર ગયેલા પ૦થી ૬૦ ટકા યુવાનો પરત ફર્યા નથીઃ અનલોક-ર દરમ્યાન પાછા ફરવાની સંભાવના
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનો ખોફ હજુ લોકોના મનમાંથી ગયો નથી. એ અલગ વાત છે કે અનલોક-રની શરૂઆત થઈ ગઈ છે. બજારો-ખુલી ગયા છે. રેસ્ટોરન્ટો ખુલી ગઈ છે, લોકોની ચહલ-પહલ વધી છે. પરંતુ કોરોનાનો મનના ખૂણમાં ડર રહેલો છે તે હજુ જતો નથી. તેથી જ નાગરીકો પોતાના જે જે કામો હોય તે ઝડપથી આટોપી લે છે. કોઈ લાંબી લપ્પન-છપ્પનમાં પડતા નથી. અગાઉ ગપ્પા-મારવા કે રાજકારણની મોટી મોટી ડીંગો મારવાની વાતો થતી નથી. પોતાનુ કામ પત્યુ એટલે વાહનને કીક મારીને ઘરભેગા થઈ જવાનું.
શહેરીજનો મુનાસીબ સમજી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં વ્યાપારી સંકુલો-કોમ્પ્લેક્ષ આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં યુપી, બિહાર, મધ્યપ્રદેશથી આવેલા યુવાનો સિક્યુરીટીની ફરજ બજાવે છે. વિશેષ કરીને કોમ્પ્લેક્ષોમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે અન્ય રાજ્યોના લોકો વધારે હોય છે. એવી જ રીતે સોસાયટી-ફેકટરીઓમાં પણ સિક્યોરીટી એજન્સીઓના માણસો પગાર પર કામ કરતા હોય છે. મોટેભાગે સિક્યુરીટી એજન્સીઓ સિક્યુરીટી ગાર્ડની નિમણુંક કરે છે.
સામાન્ય રીતે સિક્યુરીટી એજન્સીઓ ચલાવનારા યુપી. બિહાર, મધ્યપ્રદેશના જાવા મળતા હોય છે. એમાં પણ નિવૃત્ત આર્મીમેન વધારે હોવાની સંભાવના નકારી શકાતી નથી. તેથી સિક્યુરીટી એજન્સીઓ યુપી., બિહાર, મધ્યપ્રદેશમાંથી યુવાનોને નોકરી માટે વધારે સ્વીકારે છે. વળી, સિક્યુરીટી ગાર્ડના કામમાં મહેનત પણ વધારે માંગી લે છે. તેથી ઉપરોક્ત બે-ત્રણ રાજ્યો સિવાયના યુવાનો ઝાઝો રસ લેતા નથી.
કોરોનાને કારણે અમદાવાદ શહેરમાં કામ કરતા ૪૦ થી પ૦ ટકા યુવાનો પોતાને વતન જતાં રહ્યા છે. તેઓ ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર પોતાને ગામ જતાં રહ્યા છે. જેને કારણે જે સિક્યુરીટી ગાર્ડ સ્થાનિક કક્ષાએ રહેતા હતા એમના પર અન્ય લોકોના કામનો બોજા આવી ગયો છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં જેટલા સિક્યુરીટી ગાર્ડ છે તેમાં યુ.પી., બિહાર, મધ્યપ્રદેશના અંદાજે ૬૦ થી ૭૦ ટકા છે. યુવાનો ઓછી રોજગારીમાં પણ રહે છે.
તેમને સગવડ ઓછી મળતી હોવા છતાં સ્થાનિક રીતે એડજન્સ કરી લે છે. ગુજરાત આર્થિક રીતે સમૃધ્ધ હોવાથી આટલો-રોટલો સરળતાથી મળી રહે છે. એવી અહીયા યુવાનો સરળતાથી દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. ગુજરાતનું વાતાવરણ તેમને અનુકૂળ આવી ગયુ છે.
પરંતુ અનલોક-૧ અને ર પછી પોતાને ગામ ગયેલા સિક્યુરીટી ગાર્ડ મોટી સંખ્યામાં પરત આવ્યા નથી. જા કે હવે વાતાવણ રાબેતા મુજબનું થતા ધીમે ધીમે તેઓ પરત ફરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.