કોરોનાની સારવારમાં મેડિક્લેમના ૫૦% રકમ મળતાં દર્દીઓ હેરાન
૧૦ લાખનું કવચ ધરાવતા એક ડોક્ટરે કોરોના સારવારના ૪૫૧૧૯ ચૂકવવાની ના પાડતા કંપની સામે અરજી કરી
અમદાવાદ, કોરોનાની સારવાર અમુક હોસ્પિટલો માટે ધંધો બની ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીને લઈ જાવ એટલે નર્સિંગ સ્ટાફ ઓક્સિમીટર, બ્લડપ્રેસર વગેરે માપવા લાગે. થોડીવારમાં ડોક્ટર આવે અને દર્દીની હાલત જૂએ. સારવાર તો શનું ન થાય પણ સગાંને બોલાવીને દર્દીને એડમિટ કરવા પડશે તેમ કહી એક લાખ રુપિયા એડવાન્સ ભરી દો તેવી વાત કરે.
એડવાન્સ રુપિયા જમા થાય પછી જ કોરોના દર્દીની પૂર્ણરુપે સારવાર શરુ થાય છે. જે ખરી વાસ્તવિક્તા છે. હોસ્પિટલમાં એક અઠવાડિયાનું રોકાણ થાય એટલે બેથી ત્રણ લાખ લાખ વચ્ચેનું બીલ આવે તે નક્કી છે. ખાનગી હોસ્પિટલોમાં કેશલેશ સારવાર બંધ છે એટલે મેડિક્લેમ મૂકવા પડે. તેવામાં વીમા કંપનીઓ બે ચાર મહિને રુપિયા ચૂકવે પરંતુ તે પણ હોસ્પિટલના ૨થી ૧૨ લાખના બીલમાંથી માંડ અડધા જેટલી રકમ હોય છે.
૧૦ લાખનું વીમા કવચ ધરાવતા એક ડોક્ટરે કોરોના સારવારના ૪૫૧૧૯ રુપિયા ચૂકવવાની ના પાડનાર વીમા કંપની સામે કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ૧૨ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા તેમજ બીજા ૧૫૦૦૦ રુપિયા માનસિક તાણ અને કાયદાકીય ખર્ચ પેટે ચૂકવવા માટે જણાવ્યું હતું.
અમદાવાદની આ ઘટના કોરોના કાળમાં હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે પીસાતા કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની સ્થિતિ વર્ણવી જાય છે. કોરોના શરું થય પછી હેલ્થ અને જનરલ વીમો લેવાનું પ્રમાણ વધ્યું છે. તો બીજી તરફ કોરોનાના દોઢ વર્ષમાં ક્લેઇમમાં ૫૦ ટકાનો વધારો થયો છે. કુલ રુ. ૧૪૨૮૭ કરોડના ક્લેઇમ થયા છે જે પૈકી ૭૫૬૧ કરોડ રુપિયાનું સેટલમેન્ટ થયું છે.
ભારતમાં કુલ ૫૭ વીમા કંપનીઓમાંથી ૩૩ નોન લાઈફ વીમા કંપની કોવિડ વીમો ઉતારતી નથી. કેન્દ્ર સરકારે કોરોના કવચ વીમો લેવા માટે સૂચના આપી હોવા છતા કંપનીઓ હવે વીમો લેતી નથી. સૌથી મોટી કરુણતા એ છે કે કોરોના કવચ કે અન્ય જનરલ વીમો હોય તો પણ દર્દીને કેશલેસ સારવાર ભાગ્યે જ કોઈ હોસ્પિટલો આપી રહી છે.
આઈઆરડીએએ નિર્દેશ કરવો પડ્યો છે કે વીમા કંપનીઓ એક કલાકમાં કેશલેસ ક્લેમ સેટલ કરવા પડશે. ૨૮ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે વીમા કંપનીઓને આદેશ આપ્યો હતો તેમ છતા ગુજરાતમાં હજુ લાલિયાવાડી ચાલે છે. દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં પણ જાણીજાેઈને વિલંબ કરવામાં આવે છે.
દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાના હોય ત્યારે સૌથી પહેલા એક લાખ રુપિયા ડિપોઝિટ જમા કરાવવવામાં આવે તે પછી જ ખરા અર્થમાં સારવાર શરું થાય છે તેમજ બેડ ફાળવવામાં આવે છે. એક અઠવાડિયામાં વ્યક્તિ સાજાે થાય ત્યાં સુધીમાં ટુકડે ટુકડે હોસ્પિટોલ ૨ થી ૧૨ લાખ વસૂલી ચૂકી હોય છે. પછી દર્દી કે સગાને આ સારવાર માટેનો ક્લેઇમ કરવો પડે છે અને આ સમયે વર્ષો સુધી નિયમિત પ્રિમિયમ ભર્યા પછી પણ વીમા કંપનીઓ મો ફેરવી લે છે. તો ૫૦ ટકા કિસ્સામાં તો ક્લેઇમ મંજૂર થતાં નથી. જે મંજૂર થાય છે કે તે પણ અડધી રકમ માંડ હોય છે. ફાઇલો મૂકાય ત્યારે હોસ્પિટલના બિલના વાંધા ઉઠાવી કંપની અને ટીપીએ ૪૦-૫૦ ટકા રકમ કાપી લે છે. જેમાં ડોક્ટર વિઝિટ, એએમસી ચાર્જ વગેરે બહાના કાઢે છે. ત્યારે વીમો લીધો અને પોલિસીના હપ્તા નિયમિત ભરવા છતા છેતરાયાની લાગણી અનુભવાય છે.