કોરોનાઃ અમદાવાદ એરપોર્ટ પર હાઈએલર્ટ
અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજયના ૩૦ જિલ્લાઓમાં હોસ્પિટલમાં ખાસ વોર્ડ શરૂ કરાયા : શારજહાથી આવેલા તમામ પ્રવાસીઓનું થર્મલ ચેકિંગ કરાયું
(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસનો પગ પેસારો હવે વિશ્વભરના દેશોમાં થઈ રહયો છે ભારતમાં ગઈકાલે ૬ થી વધુ કેસો સપાટી પર આવતા જ કેન્દ્રીય આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. જીવલેણ મનાતા આ વાયરસને ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને આ અંગેની એડવાઈઝરી જાહેર કરી અગમચેતીના તમામ પગલા ભરવા સંબંધીત વિભાગોને આદેશ આપી દીધો છે.
જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરી વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતના તમામ મોટા શહેરોમાં આવેલી સરકારી તથા કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
‘કોરોના’નો ફફડાટ માત્ર ચીનમાં જ નહી પરંતુ વિશ્વના ૭૦ દેશો ‘કોરોના’ના સકંજામાં આવી ગયા છે. અમેરિકા, ઈટાલી, ઈરાન, વગેરે દેશોમાં મૃત્યુનો આંક વધતો જાય છે. ભારતમાં પણ ‘કોરોના’ના પ્રવેશબાદ દેશના રાજયોની સરકારી હોસ્પીટલોને એલર્ટ કરવામાં આવી છે. ભારતમાં‘કોરોના’ના ૧૮ કેસો હોવાનું જાણવા મળે છે.
જેમાં કેલામાં ૩, જયપુર, દિલ્હી, તેલંગાણા એક એક તથા આગ્રામાં ૬ શંકાસ્પદ કેસો મળી આવતા સરકારે સતર્કતા દાખવી કોરોના વાયરસનો ચેપ વધુ ન ફેલાય તે માટે વિદેશથી ખાસ કરીને દુબઈ, બેંગકોક તથા સિંગાપુરથી આવતા મુસાફરો ઉપરાંત વિદેશથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રીનીંગ તથા સઘન ચેકીંગ કરવા જણાવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ ઉપર તંત્ર સજ્જ બન્યું છે. શારજહાથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ તથા સઘન ચેકીંગ કરાયા બાદ જ બહાર જવા દેવામાં આવે છે. ઉપરાંત અમદાવાદ આંતરરાષ્ટ્રિય હવાઈ મથક પર તબીબોની ટીમ તાત્કાલિક સેવા માટે તૈનાત પણ કરવામાં આવી છે સિંગાપુર તથા થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે અલગ વોશ રૂમ રાખવામાં આવ્યો છે.
કોરોનાનો ખતરો ભારત ઉપર હોવાને કારણે રાજયના ૩૩ જીલ્લાઓમાં સરકારી હોસ્પીટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ડી ૯ વોર્ડને “આઈસોલેશન” વોર્ડ કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને અથવા શંકાસ્પદ લગતા કેસોને તાત્કાલીક તબીબી મદદ મળે તે માટે તબીબોની અલાયદી ટીમો રાખવામાં તથા શંકાસ્પદ કેસોના દર્દીઓના લોહી-પેશાબના નમુનાઓ તાત્કાલિક લેબોરેટરીમાં મુકવા સુચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ સજાગ બની ગયુ છે અને મ્યુ. કોર્પોરેશનની હોસ્પીટલોમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે મ્યુનિ. કમિશ્નરે નગરજનોને અપીલ કરતા જણાવ્યું છે કે હાથ ન મિલાવવા પણ નમસ્તે કરવા જણાવ્યુ છે કારણ કે હાથ મિલાવવાથી પણ ચેપ લાગી શકે છે. રાજકોટ- સુરતમાં પણ કોરોનાના દર્દીઓ માટે હોસ્પીટલોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
શેરબજારમાં પણ ‘કોરોના’ની અસરે સેન્સેકસમાં ભારે ઉથલપાથલ જાવા મળે છે કયારેક સેન્સેકસના પોઈન્ટમાં ઉછાળો તો કયારેક એકદમ નીચે જતો જાવા મળે છે. રોકાણકારોમાં પણ આ ચઢઉતરથી અવઢવમાં પડી ગયા છે.
દેશમાં કોરોના વાયરસના કેસ મળી આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ચોંકી ઉઠયું છે સમગ્ર દેશમાં સૌથી વ્યસ્ત દિલ્હી એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી બાજુ દિલ્હીમાં સ્કુલની અંદર વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા શિક્ષણ વિભાગ સતર્ક બન્યુ છે અને તમામ વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી શરૂ કરવામાં આવી છે અગમચેતીના પગલારૂપ નોઈડાની આ શાળાને બંધ કરી દેવામાં આવી છે. બીજીબાજુ વિદ્યાર્થીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં તેની તબીકી ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.