કોરોનાઃ કાળાબજાર પર કડક થઈ સરકાર, નક્કી કર્યા સેનિટાઈઝર-માસ્કના ભાવ
૨ પ્લાઈ માસ્કનો છૂટક ભાવ ૮ રૂપિયા/માસ્ક અને ૩ પ્લાઈનો ભાવ ૧૦ રૂપિયા/માસ્કથી વધુ નહિ હોય
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૫૦ને પાર પહોંચી ગયો છે. કોરોના વાયરસના વધતા પ્રભાવ વચ્ચે દેશમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. ડિમાન્ડ વધવાના કારણે આના કાળાબજાર પણ શરૂ થઈ ગયા છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર અનેક ગણી વધુ કિંમતે મળી રહ્યા છે જેને જોતા કેન્દ્ર સરકારે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરના ભાવ નક્કી કરી દીધા છે.
ગ્રાહક બાબતોને મંત્રી રામવિલાસ પાસવાને ટિ્વટ કરીને આની માહિતી આપી. તેમણે જણાવ્યુ, કોરોના વાયરસ ફેલાયા બાદથી બજારમાં વિવિધ ફેસ માસ્ક, આના નિર્માણમાં લાગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઈઝરના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. સરકારે આને ગંભીરતાથી લઈને આના ભાવ નક્કી કરી દીધા છે. જરૂરી વસ્તુ અધિનિયમ હેઠળ ૨ અને ૩ પ્લાઈ માસ્કમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિકના ભાવ એ જ રહેશે જે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦એ હતા.
એક અન્ય ટિ્વટમાં રામવિલાસ પાસવાને જણાવ્યુ, ૨ પ્લાઈ માસ્કનો છૂટક ભાવ ૮ રૂપિયા/માસ્ક અને ૩ પ્લાઈનો ભાવ ૧૦ રૂપિયા/માસ્કથી વધુ નહિ હોય. હેન્ડ સેનિટાઈઝરની ૨૦૦ મિલી બોટલનો છૂટક ભાવ ૧૦૦રૂપિયાથી વધુ નહિ હોય. અન્ય આકારની બોટલોના ભાવ પણ આ જ પ્રમાણે રહેશે. આ ભાવ ૩૦ જૂન ૨૦૨૦ સુધી આખા દેશમાં લાગુ રહેશે. થોડા દિવસોથી માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરના જરૂરી ઉત્પાદકોની લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા હતા. માસ્કની ડિમાન્ડ વધ્યા બાદ ૧૫૦ રૂપિયાવાળા માસ્ક ૫૦૦ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે.
ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધી રહ્યા છે. આના જોખમ સામે લડવા માટે સરકાર લોકોને કોરોના વાયરસ વિશેના જરૂરી સૂચનો આપવા અને તેમના સુધી મદદ પહોંચાડવા માટે હેલ્પ ડેસ્ક બનાવી છે. આ સાથે જ સરકાર તરફથી એખ વાટ્સએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે. હેલ્પ ડેસ્ક દ્વારા લોકો ૨૪ કલાક માહિતી અને મદદ મેળવી શકે છે. શાળા, કાલેજ અને વિશ્વવિદ્યાલય સહિત બધા પ્રકારની સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. લોકોને બચાવ માટે બધા ઉપાય અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.