કોરોનાઃ ટેકનોલોજી મારફતે લાઇવ કેસ ટ્રેકિંગ, કેસ મેનેજમેન્ટનો અમલ
નવી દિલ્હી, દેશમાં કોવિડ-19નો સામનો કરવા સહિયારા પ્રયાસ દ્વારા ભારત સરકારે કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવાર માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેટલાંક પગલાં લીધા છે. આ પગલાની સર્વોચ્ચ સ્તરે નિયમિતપણે સમીક્ષા થાય છે અને એના પર નજર રાખવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. હર્ષવર્ધને સીએસઆઇઆર (વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ)ના ડીજી અને એની પ્રયોગશાળાઓના 38 ડાયરેક્ટરોની હાજરીમાં કોવિડ-19ના સંશોધન પ્રયાસોની સમીક્ષા કરી હતી.
સીએસઆઇઆર પ્રયોગશાળાઓ મુખ્ય ખાનગી ક્ષેત્રનાં ઉદ્યોગો, સરકારી એકમો, એમએસએમઈ, વિભાગો અને મંત્રાલયો સાથે ખભેખભો મિલાવીને કાર્યરત છે તથા પાંચ વર્ટિકલની ઓળખ કરી છેઃ
o ડિજિટલ અને મોલિક્યુલર સર્વેલન્સ,
o ઝડપી અને પરવડે તેવું નિદાન,
o નવી દવાઓ/દવાઓનું પુનઃઉદ્દેશાત્મક અને ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે સંલગ્ન કામગીરીની સમીક્ષા
o હોસ્પિટલ આસિસ્ટિવ ઉપકરણો અને પીપીઇ; અને,
o સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ સપોર્ટ સિસ્ટમ્સ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-19ના જિલ્લા વહીવટીતંત્ર સ્તરે સમયસર પ્રતિભાવ માટે તમામ સ્તરે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ટેકનોલોજી મારફતે લાઇવ કેસ ટ્રેકિંગ, કેસ મેનેજમેન્ટ અને નિયંત્રણ યોજનાઓનો અમલ પણ થઈ રહ્યો છે. નિયંત્રણ યોજનાઓનાં મોનિટરિંગ અમલીકરણ માટે પોઝિટિવ પુષ્ટિ થયેલા કેસોનું જીઆઇએસ મેપિંગ, સક્રિય હસ્તક્ષેપ ધરાવતા એરિયાની ઓળખ, હીટ મેપિંગ તથા પ્રીડિક્ટિવ ડેટા એનાલીસિસનો ઉપયોગ થાય છે. આ પ્રકારની ટેકનોલોજીના સાધનો બેંગાલુરુ વોર રૂમ દ્વારા અતિ અસરકારક રીતે તૈનાત થયા છે.
ફિલ્ડ સ્ક્રીનિંગ પર સુવિધામાં મદદરૂપ થવા, એમ્બ્યુલન્સ અને ક્વારેન્ટાઇન મેનેજમેન્ટ પ્રદાન કરવા પ્રતિબદ્ધ રેપિડ રિસ્પોન્સ ટીમ (આરઆરટી) સાથે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. થોડા જિલ્લાઓએ સ્થાનિક મેડિકલ સ્ટોર્સ સાથે જોડાણ કરતા રિમોટ ડિજિટલ કન્સલ્ટેશન પણ શરૂ કર્યું છે.
કાર્યયોજનાનો અમલ અગાઉ નોંધાયેલા કેસો ધરાવતા 15 રાજ્યોનાં 25 જિલ્લાઓમાં થયો છે, જેના પ્રશંસનીય પરિણામો મળ્યાં છે. આ જિલ્લાઓમાં છેલ્લાં 14 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી અને સતત સતર્કતા જાળવવામાં આવી છે, જેથી કોઈ નવો કેસ ભવિષ્યમાં નોંધાય નહીં એવી સુનિશ્ચિતતા સ્થાપિત થશે. આ જિલ્લાઓ છે – ગોંડિયા (મહારાષ્ટ્ર), રાજ નંદગાંવ, દુર્ગ, બિલાસપુર (છત્તિસગઢ), દવાનગિરી, કોડાગુ, તુમ્કુરુ, ઉડુપી (કર્ણાટક), સાઉથ ગોવા (ગોવા), વાયનાડ અને કોટ્ટાયમ (કેરળ), વેસ્ટ ઇમ્ફાલ (મણિપુર), રાજૌરી (જમ્મુ અને કાશ્મીર), ઐઝવાલ વેસ્ટ (મિઝોરમ), માહે (પુડુચેરી), એસબીએસ નગર (પંજાબ), પટણા, નાલંદા અને મુંગેર (બિહાર), પ્રતાપગઢ (રાજસ્થાન), પાણિપત, રોહતક, સિરસા (હરિયાણા), પૌરી ગઢવાલ (ઉત્તરાખંડ), ભદ્રદારી કાઠોગુડેમ (તેલંગાણા).
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 10 એપ્રિલનાં રોજ 30 કરોડથી વધારે લોકોને રૂ. 28,256 કરોડની સહાય આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ કોવિડ-19ને કારણે લોકડાઉનની અસરમાંથી તેમને રાહત આપવાનો છે. એની વિગતો નીચે મુજબ છેઃ
o 19.86 કરોડ પ્રધાનમંત્રી જન ધન યોજના મહિલા ખાતાધારકોને રૂ. 9930 કરોડ મળ્યાં
o પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) અંતર્ગત 6.93 કરોડ ખેડૂતોને રૂ. 13,855 કરોડ મળ્યાં છે
o 2.82 કરોડ વિધવાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકોને રૂ. 1405 કરોડ મળ્યાં
o 2.16 કરોડ બિલ્ડિંગ અને બાંધકામના શ્રમિકોને રૂ. 3066 કરોડનો સહયોગ મળ્યો
કોરોનાવાયરસ ઇન્ફેક્શનના જોખમનું મૂલ્યાંકન કરવામાં નાગરિકોને સક્ષમ બનાવવા મોબાઇલ એપ્લિકેશન ‘આરોગ્ય સેતુ’ 11 ભાષાઓમાં ડિઝાઇન કરવામાં આવી છે અને 3.5 કરોડ ડાઉનલોડિંગ મળ્યું છે. એમાં જોખમનું મૂલ્યાંકન, બ્લૂટૂથ ટેકનોલોજી, અલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્યતન ટેકનોલોજી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિત વિવિધ ખાસિયતો સામેલ છે, જે યુઝરની આસપાસ કોવિડનાં જોખમનું મૂલ્યાંકન કરે છે.
27 જિલ્લાઓમાં સ્ટેટ રુરલ લાઇવલિહૂડ મિશન (એસઆરએલએમ) અંતર્ગત 1.96 કરોડ માસ્કનું ઉત્પાદન 78,373 એસએચજી સભ્યોએ કર્યું છે. નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) સ્વયંસેવક કેડેટ ‘એક્સરસાઇઝ એનસીસી યોગદાન’ હેઠળ નાગરિક વહીવટીતંત્રને મદદ કરી રહ્યાં છે. 50,000થી વધારે કોવિડ-19 સામેની લડાઈમાં સ્વેચ્છાપૂર્વક પ્રદાન કરી રહ્યાં છે.
ગઈકાલથી અત્યાર સુધી 796 કેસ વધ્યાં છે, જેથી દેશમાં કોવિડ-19નાં કુલ 9152 પુષ્ટિ થયેલા કેસો છે. 857 વ્યક્તિઓ સાજા થઈ ચૂક્યા છે/રજા આપવામાં આવી છે તથા અત્યાર સુધી કુલ 308 મૃત્યુ થયા છે.
કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ મુદ્દા, દિશાનિર્દેશો અને સલાહો પર તમામ પ્રામાણિક અને લેટેસ્ટ જાણકારી માટે કૃપા કરીને નિયમિત રીતે વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/. કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકની પૂછપરછ માટે [email protected] પર તથા અન્ય પ્રશ્રો માટે [email protected] પર ઈ-મેલ કરો.
કોવિડ-19 પર કોઈ પૂછપરછનાં કેસમાં કૃપા ક રીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર +91-11-23978046 અથવા 1075 (ટોલ ફ્રી) પર કોલ કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની હેલ્પલાઇનની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર પણ ઉપલબ્ધ છે.