કોરોનાઃ નોઈડા-ગાઝિયાબાદ-લખનૌમાં માસ્ક ફરજિયાત
નવી દિલ્હી, કોરોનાના વધતા જતા કેસોને જોતા ઉત્તર પ્રદેશ સરકાર કડક બની છે. લખનૌ સહિત NCR સાથે જોડાયેલા તમામ જિલ્લાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
સોમવારે ઉત્તર પ્રદેશ સરકારે આદેશ જારી કરતા જણાવ્યું કે, નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, બાગપત સહીત એનસીઆરના બધા જિલ્લાઓ અને લખનૌમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
સરકારે જણાવ્યું કે, પ્રદેશના કેટલાક સરહદી રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એનસીઆરના જિલ્લામાં પણ તેનો પ્રભાવ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કેસ વધી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં ગૌતમબુદ્ધ નગરમાં 65, ગાઝિયાબાદમાં 20 અને લખનૌમાં 10 પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ થઈ છે.
સરકારે કહ્યું કે, ‘NCR જિલ્લાઓ (ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત) અને લખનઉમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વેક્સિન ન લીધી હોય એવા લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.