કોરોનાએ આળસ મરડી અને સરકાર સફાળી જાગી: પ્રજાનો સહયોગ પણ જરૂરી
દેશભરમાં અનલોક દરમિયાન સરકારી તંત્રની નિષ્કીયતાથી નાગરિકોએ સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરતા પરિસ્થિતિ વણસી : સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત ચાર રાજયોની કામગીરી પર સવાલો ઉઠાવતા સરકારી તંત્ર સક્રિય બન્યું: ટુંક સમયમાં જ વેકસીન આપવા અંગેની વ્યવસ્થા ગોઠવાઈ પણ કયારે વેકસીન આવશે તે અંગે હજુ દ્વિધા
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરના દેશોની ચિંતા વધાીર દીધી છે. કોરોનાએ વિકસિત દેશોમાં જ પગ પેસારો કરતા આજે અનેક દેશોના અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે અને સંખ્યાબંધ નાગરિકો તેમાં હોમાયા છે. તમામ દેશોની સરકાર કોરોના સામે લડી રહી છે. મોટાભાગના દેશોએ લોકડાઉન નાંખ્યા બાદ અસરકારક પગલાં ભર્યાં છે પરંતુ હજુ સુધી કોરોના ને નાબુદ કરવા માટે કોઈ જ દવા કે વેકસીન બજારમાં આવી નથી. જેના પરિણામે તમામ દેશોની સરકારો પોત પોતાની રીતે દર્દીઓનો ઈલાજ કરી રહી છે ભારત દેશમાં પણ કોરોના વાયરસ સામે લડાઈ લડવામાં આવી રહી છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે જેના પગલે કેન્દ્ર સરકાર પણ ચિંતીત બની છે. તાજેતરની સ્થિતિમાં કોરોના વાયરસે આળસ મરડતાં જ કેન્દ્ર અને તમામ રાજય સરકારો એલર્ટ થઈ ગઈ છે અને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દહેશત વ્યકત કરી રહયા છે કે આ કાળ ખૂબ જ કપરો છે અને હજુ વધુ કપરી પરિસ્થિતિ આવશે. એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટની ટકોર બાદ તમામ રાજય સરકારોએ નિયંત્રણો લાદી કામગીરી શરૂ કરી છે.
કોરોના વાયરસ હાલ વિશ્વભરમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે ખાસ કરીને અમેરિકા, ભારત સહિતના દેશોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસમાં સપડાયા છે એટલું જ નહીં પરંતુ સંખ્યાબંધ નાગરિકોએ જીવ પણ ગુમાવ્યા છે. હાલમાં હોસ્પિટલોમાં પણ સંખ્યાબંધ દર્દીઓ સારવાર લઈ રહયા છે.
કોરોના વાયરસના પગલે લોકડાઉન નાંખ્યા બાદ અનલોકની જાહેરાત તબક્કાવાર કરવામાં આવી છે અને અનલોકમાં છુટછાટો આપવામાં આવતા નાગરિકો કોરોના વાયરસ સામે લડવાના બદલે ગળે વળગીને ફરતા હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતાં. સરકારે અનલોકમાં પણ સરકારી ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવા આદેશ આપેલો છે પરંતુ સરકારી તંત્ર અને નાગરિકોની ઘોર બેદરકારીના કારણે ફરી એક વખત કોરોનાના કેસો વધવા લાગતા ભારે ઉહાપોહ મચી ગયો છે.
આજે વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યા ૬ કરોડને નજીક પહોંચી ગઈ છે અને ૧૪ લાખથી વધુના મોત નીપજયા છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં નોંધાઈ છે. અમેરિકામાં ૧.ર૭ કરોડ કેસ નોંધાયા છે. જેમાંથી ર.૬૩ લાખ લોકોના મોત નીપજયા છે. જયારે બીજા નંબરે ભારતમાં કોરોના કેસોની સંખ્યા ૯ર લાખ નજીક પહોંચી ગઈ છે અને ૧.૩૪ લાખ લોકોના મોત નીપજયા છે. જાેકે અમેરિકા કરતા ભારતનો રિકવરી રેટ વધુ છે. અમેરિકામાં ટોટલ ૭પ.૭૩ લાખ લોકો સાજા થયા છે જયારે ભારતમાં ૮૬.૦૪ લાખ લોકો સાજા થયા છે.
બ્રાઝિલમાં પણ કોરોનાના કારણે ૬૦ લાખ નાગરિકો સપડાયા છે. ફ્રાંસ, રશિયા, યુ.કે, જર્મની, પોલેન્ડ, સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં કોરોનાના સંખ્યાબંધ કેસો નોંધાયા છે. વિશ્વભરમાં વધતા જતા કોરોનાના કેસોના કારણે તમામ દેશોની સરકારો સતર્ક બનેલી છે અને મોટાભાગના દેશો હાલમાં રસી બનાવવાની કામગીરીમાં વ્યસ્ત છે ભારતમાં પણ અન્ય દેશોની સહાયથી તથા સ્થાનિક વૈજ્ઞાનિકો દ્વારા રસી બનાવવાની કામગીરી ખુબ જ ઝડપથી ચાલી રહી છે.
ભારતમાં કોરોના વાયરસની રસી આપવા માટેનું તંત્ર પણ ગોઠવાઈ ગયું છે.
ભારતમાં લોકડાઉન બાદ વહેપારી મહામંડળો તથા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રના નામે કાગારોળ મચાવી દીધી હતી ભારતનું અર્થતંત્ર લોકડાઉનના કારણે કથળી ગયું હોવાનું જણાવી લોકડાઉન હટાવવા માટેની માંગણી કરવામાં આવતી હતી.
લાંબા લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે પણ અનલોકની જાહેરાત દરમિયાન તેમાં છુટછાટો આપવાની શરૂઆત કરી હતી. કોરોના વાયરસમાં રસી હજી બજારમાં આવી નથી અને તે પહેલાં અપાયેલી છુટછાટોના કારણે નાગરિકો પણ બેફિકર બની ખુલ્લેઆમ ફરતા જાેવા મળ્યા હતાં.
ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરીને બજારમાં ખરીદી કરતા જાેવા મળતા હતાં આ દ્રશ્યો જાેઈ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ ચોંકી ઉઠયા હતાં. લોકડાઉન બાદ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં સરકારે રાહત અનુભવી હતી પરંતુ અનલોક અપાયેલી છુટછાટોના કારણે ગાઈડલાઈનનો ભંગ થતાં તથા પ્રદુષણ અને ઠંડી વધવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. કેસો વધતાં સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ટિપ્પણી કરી હતી.
કોરોના વાયરસ સામે રસી શોધવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે અનલોકમાં ગાઈડલાઈનનો ભંગ થતાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થવા લાગ્યો છે. કોરોનાના કેસો વધતાં ગુજરાત સરકારની કામગીરી પર સવાલો ઉઠતા રાજય સરકાર સફાળી જાગી છે. દેશમાં ૧૯ રાજયોમાં પરિસ્થિતિ વિકટ બનવા લાગી છે. ગુજરાતમાં કોરોનાના વધતા જતાં કેસોના કારણે બે દિવસ સંપૂર્ણ કરફ્ર્યુ લગાવ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્ર્યુનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. અનલોકમાં વધુ પડતી છુટછાટો રાજય સરકારે આપતા આજે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે ખાસ કરીને પાનના ગલ્લા, ચાની લારીઓ પણ ખોલવાની મંજુરી આપવામાં આવતા કેસોની સંખ્યા પણ વધવા લાગી છે.
ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બનવા લાગતા આજે ફરી એક વખત ૧૪૦૦થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. અર્થતંત્ર મજબુત કરવુ કે માનવ જીંદગીને બચાવવી તે પ્રશ્ન આજે દેશભરના નાગરિકોમાં ચર્ચાઈ રહયો છે. ભારત દેશ મોટાભાગની ચીજવસ્તુઓમાં આત્મનિર્ભર હોવાથી ચીનની જેમ ભારતનું અર્થતંત્ર પણ ખુબ જ ઝડપથી મજબુત બનશે તેવુ અર્થશાસ્ત્રીઓનું માનવું છે પરંતુ હાલની સ્થિતિમાં માનવ જીંદગીને બચાવવી ખુબ જ જરૂરી છે. તેથી જ હવે તમામ રાજય સરકારો નિયંત્રણો લાદવાની તૈયારીમાં છે. ગુજરાતમાં તેની શરૂઆત થઈ ગઈ છે.
આગામી દિવસોમાં અન્ય રાજયોમાં પણ આજ નિયંત્રણો લાગુ થઈ શકે છે. હાલમાં ગુજરાતમાં ચાર શહેરોમાં રાત્રિ કરફ્ર્યુ લદાયો છે જાેકે કોરોનાના કેસો વધતા સંબંધિત વિભાગોના અધિકારીઓની સતત મીટીંગો યોજાઈ રહી છે અને કોરોનાને કાબુમાં લેવા માટેની વ્યુહ રચના પણ ઘડવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં રાત્રિ કરફ્ર્યુ ઉપરાંત વધુ કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.
ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે ઠંડી વધવાની સાથે સાથે પ્રદુષણની માત્રા પણ વધતા કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહયો છે. રાજય સરકાર પણ ચિંતિત બનીને હોસ્પિટલોમાં બેડ વધારવાની તૈયારીઓ કરવા લાગી છે જાેકે આજે અમદાવાદ શહેરમાં કોરોનાના પેશન્ટો માટે બેડ ખાલી નહી હોવાનો આક્ષેપ થઈ રહયો છે ત્યારે બીજીબાજુ સરકાર આ આક્ષેપને રદિયો આપી રહી છે પરંતુ આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે નગ્ન સત્ય એ પણ છે કે અમદાવાદના અનેક દર્દીઓને આજે અમદાવાદની આસપાસના નગરોમાં ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે સંખ્યાબંધ લોકોને ઘરે જ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરોમાં પરિસ્થિતિ વિકટ બની છે અને આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં મોટો વિસ્ફોટ થાય તેવી દહેશત સેવાઈ રહી છે. આજે પણ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે અનેક વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે આ પરિસ્થિતિ જાેતા આગામી દિવસો ગુજરાત સરકાર અને ગુજરાતમાં વસતા નાગરિકો માટે ખૂબજ દોજખ પુરવાર થાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં નાગરિકો જાતે જ નહી ચેતે તો નાગરિક પોતે તથા તેનો પરિવાર અને પાડોશમાં રહેતા નાગરિકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.