કોરોનાએ કોફી શોપમાં બેસીને કોફી પીવાનું કલ્ચર બંધ કરાવ્યું
કોફી ઉગાડતા ખેડૂતોને પણ નુકસાન થવાનો વારો આવ્યો, લંડનમાં અનલોક છતાં પ્રખ્યાત કાફેની ૧૦ બ્રાન્ચ બંધ થઇ
ન્યૂયોર્ક, કોરોનાની ચેપી બીમારીએ આમ તો અનેક માનવીય પ્રવૃત્તિઓ બંધ કરાવી છે પણ તેમાં ઉડીને આંખે વળગે તેવી એક પ્રવૃત્તિ કાફે શોપની છે. કોરોના મહામારીને લીધે વિશ્વમાં સ્થાનિક સાફેમાં જઇને કોફી પીવી એ હવે ભૂતકાળની ઘટના બની ગઈ છે. આ જ કારણથી ૨૦૧૧ પછી પહેલી વાર વિશ્વભરમાં કોફીનો વપરાશ ઘટ્યો હોવાનું અમેરિકાન એજન્સીઓનું કહેવું છે.
તેના કારણે કોફી ઉગાડતા ખેડૂતોને પણ નુકસાન થવાનો વારો આવ્યો છે. કોફી શોપ અને રેસ્ટોરેન્ટમાં સામાન્ય રીતે કોફીની ડિમાન્ડની ૨૫ ટકા ખપત હતી પરંતુ કોરોના મહામારીને લીધે બધું બંધ હોવાને લીધે કોફીનો વપરાશ મૂળ ડિમાન્ડ પર પહોંચતા સમય લાગી જશે. કાફે કલ્ચર ખતમ થવું સામાજિક સંસ્કૃતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, બહાર લોકો સાથે કે એકલતામાં કોફી પીવી એક સામાજીક કામ જેવું હતું જેમાં,તેમને સમાજ સાથે હોવાનો અનુભવ થતો હતો.
જોકે લાંબા સમયથી ઉચ્ચક પાક થવાના કારણે કોફી ઉત્પાદકો, ખેડૂતો પણ આર્થિક ભીંસ ભોગવી રહ્યા છે. જેની વિપરીત અસર હેઠળ કોફી ઉત્પાદનમાં બાળ મજૂરોને ધકેલવામાં આવી રહ્યા છે, આ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોફી સંગઠન પણ ચેતવણી જાહેર કરી ચૂક્યું છે. લંડનમાં લોકડાઉન ખુલ્યું હોવા છતાં એક પ્રખ્યાત કાફેની ૧૦ બ્રાન્ચ બંધ થઇ ચૂકી છે.