પાંચ મેડિકલ કૉલેજ શરૂ કરવાની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં જ પુર્ણ થશેઃ આરોગ્યમંત્રી
કોરોનાકાળના ૨ વર્ષ બાદ BJ-Beats ઇવેન્ટને “પુન:ધબકતી” કરાવતા આરોગ્યમંત્રી
પ્રવર્તમાન સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં દર્દીઓની સારવાર સાથે દર્દી અને સગાનું કાઉન્સેલીંગ પણ જરૂરી બની રહ્યું છે :-આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્યમાં ૫ નવીન મેડિકલ કૉલેજ શરૂ કરવા સરકારનો નિર્ધાર: ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થતા સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર અને સંભાળ સાથે દર્દી અને તેમના સગાઓનું કાઉન્સેલીંગ પણ અતિઆવશ્યક બની ગયું છે તેમ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંવેદનાપૂર્ણ જણાવ્યું છે.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે ૨ વર્ષથી સ્થગિત રહેલી અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજની બી.જે. બિટ્સ ઇવેન્ટને પુન:ધબકતી કરાવી છે.
ચાર-દિવસીય ઇવેન્ટમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસમાં તમામ સ્ટ્રેસને નેવે મૂકીને તેનો ભરપૂર આનંદ માણવા અને સાથો-સાથ દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તેનું પણ સંવેદનાપૂર્ણ ધ્યાનરાખવા મંત્રી શ્રી એ સ્ટુડન્ટ્સને અનુરોધ કર્યો હતો.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આ વર્ષના અંદાજપત્રમાં પાંચ નવીન મેડિકલ કૉલેજ શરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં જ પુર્ણ થતા કૉલેજ માટે સ્ટાફ ભરતી પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવશે.
આ પાંચેય મેડિકલ કૉલેજો જલ્દી થી જલ્દી પ્રારંભ કરાવીને ગુજરાતના તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ હોવાનું મંત્રી શ્રીએ ઉમેર્યું હતુ.
સિવિલ મેડિસીટીના સત્કાર્યો અને સેવાની સુગંધ રાજ્ય અને દેશના ખૂણે-ખૂણે પ્રસરી હોવાનું મંત્રીશ્રી એ કહ્યું હતુ.
મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યુ કે, મેડિકલ ક્ષેત્રે દિન પ્રતિદિન નીતનવા સંશોધનો , તકનીકી ઉપકરણોમાં નવીનીકરણ આવી રહ્યા છે ત્યારે તમામ મેડિકલ સ્ટુડન્ટસે પણ આ સંશોધનો અને નવીનીકરણ સાથે માહિતગાર રહીને અપગ્રેડ રહેવું પડશે.
આરોગ્યમંત્રીશ્રીએ કોરોનાના કપરા કાળમાં બી.જે.મેડિકલના સ્ટુડન્ટસ, જુનિયર ડૉક્ટર્સ, રેસિડેન્ટ ડૉક્ટર્સ, સિનિયર તબીબો , નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા દરીદ્રનારાયણની સેવામાં કરેલી અવિરત કામગીરીને બિરદાવીને તમામને અભિનંદન પાઠવ્યા હતા.
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમારે કહ્યું કે, બી.જે. મેડિકલ કૉલેજ અને સિવિલ મેડિસીટી કેમ્પસે ગુજરાત અને સમગ્ર દેશને તજજ્ઞ તબીબો આપ્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ સિવિલ હોસ્પિટલને સિવિલ મેડિસીટી કેમ્પસ બનાવવાના જોયેલા સ્વપ્ન સાકાર થતા આજે સિવિલ મેડિસીટી સમગ્ર દેશ માટે મેડિકલ હબ બન્યંલ છે.
પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ પ્રસંગે અગાઉની બી.જે.-બીટ્સ ઇવેન્ટમાં સહભાગી બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી, વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓની હાજરીના સંસ્મરણોને વાગોળ્યા હતા.
સિવિલ કેમ્પસ ભૂંકપ, બોમ્બ બ્લાસ્ટ, સ્વાઇન ફ્લુ, કોરોના જેવી તમામ કુદરતી કે માનવસર્જિત હોનારતોમાં સેવાનું સાક્ષી રહ્યું છે તેમ શ્રી પ્રદિપસિંહે જણાવ્યું હતુ.
બી.જે.-બીટ્સ-2022 ના શુભારંભ પ્રસંગે યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી આર.કે. પટેલ, બી.જે.મેડિકલ કૉલેજના ડીન શ્રી કલ્પેશ શાહ, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર શ્રી વિનીત મિશ્રા, કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા, એડિશનલ ડાયરેક્ટર શ્રી જયેશ સચદે, સિનિયર તબીબ ડૉ. એચ.બી. ભાલોડિયા સહિત મોટી સંખ્યામાં તબીબો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. -અમિતસિંહ ચૌહાણ