કોરોનાકાળમાં વ્યસ્તતા છતાં હાડકા અને એનેસ્થેસિયા વિભાગે ચાર કલાકની જટિલ સર્જરી કરતા સ્મીમેરના ફરજ પરસ્ત તબીબો
સ્મીમેર હોસ્પિટલમાં કોસાડના ગંભીર અકસ્માતમાં ઘવાયેલા અજાણ્યા યુવકના હાથપગના ફ્રેક્ચરનું સફળ ઓપરેશન
કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ દર્દીઓની સારવાર કરવામાં પણ સ્મીમેર તંત્ર અગ્રેસર રહ્યું છે. કોસાડના અજાણ્યા યુવકનો ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત થતાં બંન્ને હાથ અને એક પગમાં ફ્રેકચર થયું હતું, ૧૦૮માં ગંભીર હાલતમાં સ્મિમેરમાં દાખલ કરવાંમાં આવેલ યુવકનું નિ:શુલ્ક સફળ ઓપરેશન કરી સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા અને હાડકાના તબીબોએ ફરજપરસ્તીનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયું છે.
કોરોનાની કટોકટીમાં દર્દીઓની સારવારમાં વ્યસ્ત છતાં સ્મીમેરના એનેસ્થેસિયા વિભાગ અને હાડકા વિભાગના ડોકટરોની ટીમે ૪ કલાકનું સફળ ઓપરેશન કરીને યુવાનને ગંભીર સ્થિતિમાંથી ઉગારી લીધા છે.રાજુભાઇ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો.જનક રાઠોડે જણાવ્યું હતું કે, ‘ ગત તા.૧૫ એપ્રિલના રોજ કોસાડ આવાસથી ૧૦૮ના માધ્યમથી અજાણ્યા યુવાનને સ્મીમેર હેસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, તેમનો ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત થવાથી બન્ને હાથ અને એક બાજુના પગમાં જટિલ ફ્રેક્ચર થયું હતું.
સુરતમાં આ દર્દીના કોઇ સગા સંબંધી પણ ન હતા. સ્મીમેર તરફથી ઇમ્પ્લાન્ટની સગવડ કરી અમારી ટીમના તબીબોએ તાત્કાલિક સારવાર આપી, ફ્રેક્ચરનું ચાર કલાક ઓપરેશન કરી દર્દીના અંગો બચાવી લેવાયા હતા. બાદમાં તેનું નામ રાજુ યાદવ અને કોસાડ આવાસમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
એનેસ્થેસિયા વિભાગના યુનિટ હેડ ડો.દિવ્યાંગ શાહ અને ડો.સુભાષ પટેલે જણાવ્યું હતું કે, ‘કોસાડ આવાસથી ૧૦૮માં તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર લાવવામાં આવેલા યુવકના ઓપરેશન સમયે દર્દીનું માઉથ ઓપનીંગ ખુબ ઓછું હોવાથી જનરલ એનેસ્થેસિયા ન આપી, રિજનલ એનેસ્થેસિયામાં ૪ કલાકનું ઓપરેશન પાર પાડ્યું હતું.
કોરોના મહામારીમાં સ્મીમેરના તબીબો કોરોનાગ્રસ્તોની સારવારમાં દિનરાત કાર્યરત છે. ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર-ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. અન્ય બિમારી ધરાવતા દર્દીઓને ઈમરજન્સીમાં જરૂરી આરોગ્ય સેવા મળી રહે એની પણ સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના વાયરસની મહામારીના સમયે સ્મીમેરના હાડકા અને એનેસ્થેસિયા વિભાગના ડો.નિરવ મોરડીયા, ડો.આકર્ષ પટેલ, ડો.પાર્થ કિનખાબવાલા, ડો.વરૂણ પટેલ, ડો.કરન અગ્રવાલ, ડો.ભાવના સોજીત્રા, ડો.ભાવિકા ઓગરીવાલા, ડો.નિધી પાંભર,ડો.રિકંલ પટેલ અને નર્સિંગ સ્ટાફ ટીમની ઉમદા સારવાર થકી રાજુભાઇ યાદવને તાત્કાલિક સારવાર મળી હતી.