કોરોનાકાળમાં ૯૦થી ૯૫ ટકા વકીલો બેરોજગાર બન્યાં
અમદાવાદ: લોકોના ન્યાય માટે લડતા વકીલ બેરોજગાર બન્યા છે. ૧૪ મહિના કોર્ટો બંધ રહેતા વકીલે અન્ય નોકરી-ધંધા તરફ વળ્યાં છે. અમદાવાદમાં ૧૪ મહિનામાં ૬૦૦થી વધુ વકીલો બેરોજગાર બન્યા છે. ૧૪ મહિનામાં ૬૦૦થી વધુ વકીલોએ સનદ જમા કરાવી છે. બીજા ધંધે ચડી ગયા છે. કોરોના મહામારીના કારણે ઘણા બધા ધંધા-રોજગારને મોટો ફટકો પડ્યો છે. વકીલાતનો વ્યવસાય પણ છેલ્લા ૧૪ મહિનાથી ઠપ થઈ ગયો છે.
ફિઝિકલી કોર્ટ બંધ હોવાથી રાજ્યના ૯૮૪૪૧ ધારાશાસ્ત્રીની આવક પર ફટકો પડ્યો છે, જેને કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭૬ અને આ વર્ષે પણ અંદાજે ૧૦૦ થી વધારે વકીલોએ અન્ય જગ્યાએ નોકરી ધંધા શરૂ કરી દીધા હોવાથી બાર કાઉન્સિલમાં પોતાની સનદ જમા કરાવી દીધી છે. ટ્રાયલ કોર્ટના વકીલો આર્થિક રીતે નાજુક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું સિનિયર ધારાશાસ્ત્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તાલુકા અને જિલ્લા કક્ષાએ કોર્ટ બિલ્ડિંગ અદ્યતન બનાવેલી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત તમામ ગાઇડલાઇનનું પાલન કરાવી પહેલેથી કોર્ટ ચાલુ રાખવાની જરૂર હતી.
લાંબો સમય કોર્ટ બંધ રહેતા વકીલો માટે આ સમય આર્થિક રીતે નાજુક સાબિત થયો છે. સિનિયર ધારાશાસ્ત્રી ચેતન શાહે જણાવ્યું કે, કોરોનાના કારણે કોર્ટ બંધ હોવાથી વકીલોની આર્થિક હાલત અત્યંત કથળી ગઈ છે. વકીલોનો સામાજિક મોભો હોય છે, જેના કારણે તેઓ કોઇની જાેડે હાથ લાંબો કરી શકતા નથી તેમ જ અન્ય ધંધામાં જાેડાઈ શકતા નથી. બાર એસોશિઅનનાં મેમ્બર, ગુલાબખાન પઠાણ જણાવે છે કે, બાર કાઉન્સિલે છેલ્લા ૫ મહિનામાં કોરોનામાં સંક્રિમત થયેલા ૨૨૬૫ વકીલોને ૩ કરોડ માંદગી સહાય પેટે ચૂકવ્યા હતા.
ઉપરાંત વર્ષ ૨૦૨૧માં મૃત્યુ પામેલા ૨૦૮ વકીલના વારસદારોને ૫ કરોડ ચૂકવ્યા હતા. જ્યારે ૨૦૨૦માં ૩૨૮ મૃતક વકીલોના વારસદારોને ૯ કરોડ ચૂકવ્યા હતા. જાેકે, બાર એસોશિએશન પાસે પણ ફંડ હવે રહ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા ૯૦થી ૯૫ ટકા વકીલોની આર્થિક આવક પર ફટકો પડ્યો છે. નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા ૯૦થી ૯૫ ટકા વકીલો ભીંસમાં મુકાયા છે. સરકાર પાસે બાર એસો. એ વકીલો માટે રાહત પેકેજની માંગ કરી છે. વકીલોની આર્થિક આવક પર મરણતોલ ફટકો પડ્યો છે, જેના કારણે ઘણા બધા વકીલોએ કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વ્યવસાય તરફ જવાની ફરજ પડી છે.