કોરોનાકાળમાં 71% કંપનીઓએ પગારમાં વધારો આપ્યો
નવી દિલ્હી, કોરોના મહામારીના લીધે આ વર્ષે કર્મચારીઓને પગારમાં ખાસ કોઈ વૃદ્ધિનો લાભ મળ્યો નથી, પરંતુ આગામી વર્ષે 87 ટકા ભારતીય કંપનીઓ પગારમાં વધારો આપશે. આ વર્ષે 2020માં 71 ટકા કંપનીઓએ પગારમાં વધારો આપ્યો હતો.
ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસ કંપની Aon દ્રારા સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં 87 ટકા કંપનીઓએ આગામી વર્ષે પગારમાં વધારો કરવાનું જણાવ્યું હતું, જેમાં 61 ટકા પગારમાં 5-10 ટકા વધારો કરશે. આ વર્ષે 71 ટકા કંપનીઓએ પગારમાં વધારો કર્યો હતો, જેમાંથી માત્ર 45 ટકા કંપનીઓએ 5થી 10 ટકાનો વધારો આપ્યો હતો.
Aonના પાર્ટનર અને સીઈઓ નીતિન સેઠ્ઠીએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીને લીધે આર્થિક ગતિવિધિઓને માઠી અસર થઈ હોવા છતાં ભારતીય કંપનીઓ સ્થિર પર્ફોર્મન્સ આપવામાં સફળ રહી છે. ખાસ કરીને કુશળતાના દૃષ્ટિકોણે સ્થિરતા જળવાઈ રહી છે.
બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં બિઝનેસ અને એચઆર લીડર્સે આકરા નિર્ણયો લીધા હતા. હાલ તેઓ ગ્રાહકોની માગમાં વધારો કરવા પ્રયાસો કરી રહ્યા છે. રિકવરી અને ગ્રોથ હાંસલ કરવા માટે તેમણે કુશળ કર્મચારીઓમાં રોકાણ વધારવાની જરૂર છે.
ઈન્ડસ્ટ્રીઝ હાઈ ટેક્નોલોજી, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આઈટી આધારિત સેવાઓ, ઈ-કોમર્સ, લાઈફ સાયન્સ, કેમિકલ્સ, પ્રોફેશનલ સર્વિસીઝ સહિત સેગમેન્ટમાં કર્મચારીઓના પગારમાં સૌથી વધુ વધારો કરશે. જ્યારે હોસ્પિટાલિટી, રિટેલ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રીઝમાં આ વર્ષે પગાર વધારાનો દર ખૂબ નીચો અથવા નહિવત્ રહ્યો છે.
આગામી વર્ષે પગારમાં વધારો થવાનો આશાવાદ છે, પરંતુ તેનો આધાર સેક્ટરના ગ્રોથ પર રહેશે. 2019માં 71 ટકા કંપનીઓ દ્રારા આપવામાં આવેલા પગાર વધારામાં લઘુતમ 2.4 ટકા વૃદ્ધિથી માંડી મહત્તમ 7.2 ટકા પગાર ગ્રોથ જોવા મળ્યો હતો. સર્વેમાં 20થી વધુ ઈન્ડસ્ટ્રીઝની 1050 કંપનીઓ પાસેથી ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો.