Western Times News

Gujarati News

કોરોનાગ્રસ્ત દંપતીનો ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત

Files Photo

કોટા: કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે રાજસ્થાનના કોચિંગ શહેર તરીકે જાણીતા કોટા શહેરમાંથી ખૂબ જ દર્દનાક ખબર સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દંપતીએ આપઘાત કરી લીધો હતો. દંપતીએ એટલા માટે આપઘાત કરી લીધો હતો કે તેમને ડર હતો કે ક્યાંક તેમનું સંક્રમણ તેના પૌત્રને ન લાગી જાય. આ કારણે બંનેએ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણકારી મળતા જ હાહાકાર મચી ગયો હતો. આ વાત જાણીને દંપતીના પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ થોડા વર્ષે પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો. હવે તેઓ ન્હોતા ઈચ્છી રહ્યા કે તેનો પૌત્ર કોરોના બીમારીનો ભોગ બને. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભગવતસિંહ હિંગડે જણાવ્યું કે, આ બનાવ રવિવારે બન્યો હતો. અહીં રેલવે કૉલોની વિસ્તારમાં પુરોહિત જીની ટાપરીમાં રહેતા હીરાલાલ બૈરવા (ઉ.વ. ૭૫) અને તેમના પત્ની શાંતિ બૈરવા (ઉ.વ.૭૫)નો એક દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જે બાદમાં બંને ચિંતામાં ગરક થઈ ગયા હતા. બંનેને ઘરમાં જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. પરંતુ બંનેને એ વાતની ચિંતા હતી કે ક્યાંક તેમનું સંક્રમણ તેના નાના પૌત્રને ન લાગી જાય. રવિવારે દંપતી ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયું હતું. બાદમાં કોટાથી દિલ્હી તરફ જતા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા.

જે બાદમાં બંનેએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ રેલવે પોલીસ પહોંચી હતી અને બંનેનાં મૃતદેહને પાટા પરથી હટાવીને એમબીએસ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ આઠ વર્ષ પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો.

જે બાદમાં હવે બંને પોતાના પૌત્રને ગુમાવવા માંગતા હ ન હતા. પોલીસ હાલ આ કેસની વધારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કોટા પણ રાજસ્થાનના સર્વાધિક સંક્રમિત શહેરમાં શામેલ છે. અહીં કોરોનાથી હાલત ખૂબ જ ખરાબ છે. કોટામાં પ્રથમ લહેરથી અત્યારસુધી આશરે ૬૦૦ પોલીસ અધિકારી અને પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. શહેરની હૉસ્પિટલો કોરોના પીડિતોથી ઊભરાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.