કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ
સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૨૧૪ કોરોના વોરીયર્સ, ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ મેળવ્યો
કોરોનાની બિમારીમાં આર્યુવેદિક દવાઓએ અસરકારક પરિણામ આપ્યા છે : પ્રિન્સીપાલ હર્ષિત શાહ
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ માટે દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે.તે પ્રમાણે વિવિધ આર્યુવેદિક દવાઓ તૈયાર કરવામાં આવી છે. જેના સેવનથી લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થવાથી ઘણા સકારાત્મક પરિણામો મળ્યા છે.
અમદાવાદ સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અમદાવાદની જ અખંડાનંદ સરકારી આયુર્વેદિકની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા ૧ વર્ષથી કાર્યરત છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે.
સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક દવાઓ સહાયક સારવાર પધ્ધતિ રૂપે આપી રહ્યા છે. જેના અમને સકારાત્મક પરિણામો મળ્યા છે. આયુષ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી આયુષ-૬૪, સંશમનીવટી, યષ્ટીમધુ ઘનવટી આ ત્રિપુટી આયુર્વેદિક દવાઓથી ધણાય કોરોનાગ્રસ્ત દર્દીઓએ રાહત અનુભવી છે.
અત્યાર સુધીમાં ૫૨૧૪ જેટલા કોરોના યોદ્ધાઓને અને ૮૦૦૦ થી વધુ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને આ દવાઓ દ્વારા સારવાર આપી છે. અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રિન્સીપાલ શ્રી હર્ષીત શાહ જણાવે છે કે, ” આયુષ વિભાગની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી.માં આયુર્વેદિક ઓ.પી.ડી. પણ કાર્યરત છે.
જેમાં કોરોનાની પ્રાથમિક તપાસ અર્થે આવતા દર્દીઓને તેમની બિમારીની ગંભીરતા પ્રમાણે આયુર્વેદિક દવાઓ, સારવાર આપવામાં આવે છે. જેમાં આયુર્વેદિક ઉકાળાથી લઇ વિવિધ દવાઓનો સમાવેશ થાય છે. કોરોના વોર્ડમાં તેમજ કોરોના યોદ્ધાઓમાં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે.
જેના અમને સકારાત્મક પરિણામ મળ્યા છે. ઘણાંય દર્દીઓ અને કોરોના યોદ્ધાઓમાં નવ ઉર્જાનું સંચય થતું હોય તેવા પ્રતિભાવ મળ્યા છે. કોરોના વાયરસની મૂળ તકલીફ ફેફસા સાથે શરદી, ઉધરસ સાથે સંકળાયેલી છે. જેમાં ઉક્ત દવાઓ ઘણી ફાયદાકારક સાબિત થઇ છે.
શરદી, ગમે તે પ્રકારની ઉધરસ, ગળામાં-પેટમાં બળતરા થવી, ભૂંખ ન લાગવી,અપચો રહેવો, શ્વાસ રૂંધાવા જેવી અનેક તકલીફોમાં ઉક્ત ત્રણેય દવાઓએ અસરકારક પરિણામ આપ્યુ છે તેમ તેઓ ઉમેરે છે.