કોરોનાગ્રસ્ત પરિવારને બાલાજીને પાર્થના, નારિયેળ ચઢાવવા સલાહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/gajendra-scaled.jpg)
કોવિડ હોસ્પિટલની મુલાકાતમાં સલાહ આપી મંત્રી ફસાયા-ગજેન્દ્રસિંહ શેખાવતનું હોમ સ્ટેટની સ્થિતિ જાણવા જાેધપુરની હોસ્પિટલોની મુલાકાત દરમિયાન રડતી મહિલાને આશ્વાસન
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના મંત્રીએ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન રડતી કકળતી મહિલાને એવી સલાહ આપી છે કે, તેના કારણે પણ વિવાદ ઉભો થઈ ગયો છે.
મળતી વિગતો પ્રમાણે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે પોતાના હોમ સ્ટેટની સ્થિતિ જાણવા માટે જાેધપુરની હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. જેમાં એક કોરોના સંક્રમિત પરિવારને તેમણે નારિયેળ ચઢાવવાની અને બાલાજીની પ્રાર્થના કરવાની સલાહ આપી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મથુરાદાસ માથુર હોસ્પિટલમાં એક રડતો યુવક મંત્રી પાસે આવ્યો હતો અને પોતાની બીમાર માતાની સારવાર માટે કોઈ ડોક્ટરને મોકલવા માટે વિનંતી કરી હતી. મંત્રીએ એક અધિકારીને યુવકની ફરિયાદ પર ધ્યાન આપવા કહ્યુ હતુ. જાેકે ડોકટર પહોંચ્યા ત્યારે આ મહિલાનુ મોત થઈ ગયુ હતુ.
એ પછી મંત્રી શેખાવત બીજી બે મહિલાઓને મળ્યા હતા અને તેમને સાંત્વના આપતા કહ્યુ હતુ કે, ભગવાન બધુ ઠીક કરી દેશે, બાલાજી મહારાજનુ નામ લો અને તેમને નારિયેળ ચઢાવો, બધુ સારુ થઈ જશે. શેખાવતના નિવેદનની ટીકા થઈ રહી છે ત્યારે તેમણે સફાઈ આપતા કહ્યુ હતુ કે, ડોકટરો પોતાનુ કામ કરી રહ્યા છે અને મેં જાે નારિયેળ ચઢાવવાનુ તેમજ ભગવાન બધુ સારુ કરશે તેવુ કહ્યુ હોય તો તેમાં ખોટુ શું છે તે મને સમજાવો… એક પરેશાન મહિલાને દુઆ અને દવા બંને પર ભરોસો અપાવવો મારી ફરજ છે.
તેમણે કહ્યુ હતુ કે, અહીંના ડોકટરો પર મને પૂરો ભરોસો છે અને તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. દર્દીને માસનિક રીતે મજબૂત રાખવો પણ જરુરી છે. મેં જે કહ્યુ છે તે સામાજીક વ્યવહારનો એક ભાગ છે.કરોડો લોકો બાલાજી મહારાજના ભક્ત છે.તેમને નારિયેળ ચઢાવવાની વાતથી હું નિષ્ક્રિય થોડો સાબિત થઉં છું?