કોરોનાથી થયેલ મોતમાં પણ માંદગીનું કારણ નોંધાય છે
અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શુક્રવારની માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં સરકારી યાદી પ્રમાણે, નવા કુલ ૩૨૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ૨૪ કલાકમાં ૧૧ લોકોના મોત નીપજ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, અમદાવાદમાં અંતિમ વિધિ માટે સ્વજનોએ સ્મશાનગૃહમાં ૨થી ૩ કલાકની રાહ જોવી પડે છે. જ્યારે અમદાવાદના વાડજ અને વીએસ હોસ્પિટલ પાસે આવેલા સ્મશાનગૃહમાં જઇને તપાસ કરી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી છે.
સામે આવ્યું કે, અંતિમ સંસ્કાર માટે રજીસ્ટ્રરમાં કોરોનાથી મૃત્યુ થયું હોવા છતાં માંદગીનું કારણ દર્શાવવામાં આવે છે. માનવામાં નહીં આવે, પરંતુ સ્મશાનગૃહમાં જે ચોપડામાં એન્ટ્રી થાય છે તેમાં માંદગી શબ્દનો ઉલેલખ કરવામાં આવે છે, જેથી કેટલી વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામી છે તે અંગે જાણવું અઘરું થઈ પડે છે. નવાઈની વાત તો એ છે કે, મૃતકોનાં પરિજનોને અંતિમ સંસ્કાર માટે ૨થી ૩ કલાક રાહ જોવી પડે છે.
આ અંગે એલિસબ્રિજ સ્મશાનગૃહની તપાસ કરતાં જાણવા મળ્યું કે, અહીં ૨ સીએનજી ભઠ્ઠી હોવા છતાં મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે. રજીસ્ટર તપાસતાં સવારથી બપોરના ૧ વાગ્યા સુધી કુલ ૧૫ જેટલાં મૃતદેહોની એન્ટ્રી થઈ હતી. જેમાંથી ૭ મૃતદેહ વેઈટિંગમાં હતા.
આ લિસ્ટમાં કુલ ૧૫ મૃતકોમાંથી ૭ મૃત્યુ કોરોનાને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. રજીસ્ટર તપાસતાં એ પણ સામે આવ્યું કે, કોરોનાથી થયેલાં મોતને બદલે માંદગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એસવીપીથી મૃતદેહને જયારે સ્મશાનગૃહ લાવવામાં આવ્યું ત્યારે તેમને અઢી કલાક રાહ જોવી પડી. આ અંગે તેમનાં સ્વજનની માહિતી સાથે અમે તપાસ કરી ત્યારે રજીસ્ટરમાં માંદગીથી મોત થયું હોવાની માહિતી સામે આવી. આ સ્વજનોએ પીપીઈ કીટ પહેરીને સ્વજનને અગ્નિદાહ આપ્યો હતો.