કોરોનાથી નહી પણ પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમતા ઝઘડીયા તાલુકાના પિપરીપાન ગામના લોકો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નેત્રંગ રોડ ઉપર પિપરીપાન ગામ આવેલું છે.આ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખા મારી રહ્યાં છે.
રાજપારડીમાં જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેક્ટની ખાણો આવેલી છે જીએમડીસી દ્વારા આ વિસ્તારમાં હજારો મીટર ઊંડાણ સુધી ખોદકામ કરવામાં આવતું હોય નજીકના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ વધી છે.જીએમડીસીને આસપાસના કેટલાક ઊંચાણવાળા વિસ્તારોમાં હેન્ડપંપ બોર ઉંડાણ સુધી ખોદવા છતાં પાણી ન મળતું હોવાની સમસ્યાઓ વધી રહી છે.પિપરીપાન ગામ જીએમ ડીસી નજીક આવેલ હોવાથી તેના કેટલાક ઊંચાણવાળા વિસ્તારમાં હેન્ડપંપ તથા બોરવેલમાં પાણી ચઢતું ન હોવાથી ગામના લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે.ગામમાં પાણીના નળ તો છે પણ તેમાં પાણી નથી આવતું,
પાણી પુરવઠા યોજના દ્વારા પણ પાણીની લાઈન નાખવામા આવી છે પરંતુ તે પણ શોભાના ગાઠીયા સમાન બની છે.ગામમા હેન્ડપંપ છે પણ તેમા પાણી નથી છતાં નળની લાઈનો છે છતા પણ ગામમાં પાણીની તકલીફ છે.વારંવાર રજુઆતો પછી સરપંચ દ્વારા ગામમાં એક બોર બનાવવામા આવ્યો છે પરંતુ તેમાં હજુ સુધી મોટરના લગાવવામા નથી આવી જેથી તે પણ બંધ હાલતમાં છે.
આ ગામના આદિવાસી લોકો ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમના ઢોરઢાંખરને પણ પાણી પીવા માટે કેટલાક કિલોમીટર દૂર લઈ જવું પડે છે.પાણીની સમસ્યાથી પીડાતા લોકોએ સરપંચને વારંવાર રજુઆત કરવા છતાં પાણીની સમસ્યા નું કોઈ નિરાકરણ ન આવતા આખરે ગામલોકોએ મીડિયાનો સહારો લીધો છે અને થોડા દિવસમાં જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવે તો આવનારી ચૂંટણીઓમાં બહિષ્કાર કરી મત આપવા નહીં જવાનું જણાવી રહ્યા છે.ગામની મહીલાઓએ પીવાના પાણી માટે કેટલાય કિલોમીટર દૂર ચાલતા જવું પડે છે જેથી મહિલાઓએ માટલા ફોડીને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો.
જીએમડીસી દ્વારા પીપલપાન ગામે અઠવાડિયામાં ફક્ત એક જવાર પાણી નું ટેન્કર મોકલવામાં આવે છે.જે ટેન્કર આખા ગામમાં પાણી ના પહોંચાડી શકતું હોય કેટલાક લોકોને પીવાના પાણી માટે તરસતા જ રહી જાય છે.ત્યારે હવે તંત્ર દ્વારા પિપરીપાન ગામના આદિવાસી લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તે જરૃરી બન્યું છે.