કોરોનાથી પ્રથમ વખત એક જ દિવસમાં ૪૦૦૦થી વધુનાં મોત
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો જ નથી થઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા ૪ લાખ ૧ હજાર ૨૨૮ નવા દર્દી નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪,૧૯૧લોકોનાં મોત થયા છે. આ એક રેકોર્ડ છે. દેશમાં કોરોનાની બીજી લહેરનું તાંડવ ચાલી રહ્યું છે.
દેશમાં દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. ૨૫ દિવસ પહેલા જ્યારે કોરોનાથી દેશમાં એક હજાર મોત થઈ રહ્યા હતા ત્યારે હવે એક જ દિવસમાં ચાર હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. આ પહેલા ૧૩ એપ્રિલના રોજ મોતનો આંકડો એક હજારને પાર થયો હતો. જે બાદમાં ૨૦ એપ્રિલના રોજ બે હજારથી વધારે મોત નોંધાયા હતા. ૨૭ એપ્રિલના રોજ આ આંકડો ત્રણ હજારને પાર થયો હતો. જેના ૧૦ જ દિવસની અંદર મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૫૪,૦૨૨ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે એકલા મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૮૯૮ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યારસુધી ૭૪,૪૧૩ લોકોનાં મોત થયા છે. છત્તીસગઢમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૩,૬૨૮ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૮,૩૦,૧૧૭ થઈ છે. મધ્ય પ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસના નવા ૧૧,૭૦૮ કેસ નોંધાયા છે. આ સાથે જ પ્રદેશમાં અત્યારસુધી કોરોના સંક્રમણના કુલ ૬,૪૯,૧૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી ૮૪ લોકોનાં મોત થયા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા ૬,૨૪૪ પર પહોંચી છે. ઉત્તર પ્રદેશમાં શુક્રવારે કોરોના સંક્રમણથી ૩૭૨ લોકોનાં મોત થયા છે. આ દરમિયાન રાજ્યમાં કોરના સંક્રમણના ૨૮,૦૭૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધી કોરોનાથી ૧૪,૮૭૩ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૦૭૬ નવા કેસ સામે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૪,૫૩,૬૭૯ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨,૦૬૪ કેસ નોંધાયા છે. જેની સામે ૧૩,૦૮૫ દર્દીઓ સાજા થયા છે. આમ સતત ત્રીજા દિવસે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૧૯ દર્દીનાં મોત થયા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૮,૧૫૪ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૭૬.૫૨ ટકા છે. અત્યાર સુધીમાં ૧૦૨૨૪૮૪૧ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૨૯,૮૯,૯૭૫ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. શુક્રવારે કુલ ૧૮૪૬૫૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં હાલ કુલ ૧,૪૬,૩૮૫ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૭૭૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૪૫૬૧૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૦૩૪૯૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.