કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છે અને તે છે આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી
લુણાવાડા : કોરોનાની મહામારીના ડરમાંથી મહીસાગરવાસીઓને બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતાં જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ કહે છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ કોઈપણ દેશ – રાજ્યને બાકી નથી રાખ્યું. આ સમયમાં અનેક લોકો ભયથી પીડાઇ રહ્યા છે. હું માનું છું કે, આ મહામારીનો સામનો કરવા માટે આપણા સૌના હાથમાં જ એક મજબૂત ચાવી અને વેક્સીન છે અને તે છે, આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી.
સરકાર, તંત્ર, ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર અત્યારે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યાં છે. તેવા સમયે આપણે સૌ કોઈ તેમને મદદરૂપ થઈ શકીએ તેમ છે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં આપણે સૌ એક ભાગ ભજવી શકીએ છીએ. અને તેની આપણે સૌએ જવાબદારી સ્વીકારવી પડશે.
હાલના સમયમાં લોકો વિચારી રહયાં છે કે કોરોનાનું વેક્સીન કયારે આવશે ? જેઓ કોરોનાના વેકસીનની રાહ જોઈ રહયાં છે. તેમને મારે કહેવું છે કે, આપણી પાસે આપણા હાથમાં જ વેક્સીન છે, અને તે છે આપણું માસ્ક, સેનીટાઈઝર અને સોશ્યલ ડીસ્ટન્સ. જો આ ત્રણ વસ્તુ યોગ્ય રીતે કરીશું તો હાલના તબક્કે એ આપણું વેક્સીન બની કોરોનાથી આપણને બચાવશે.
કોરોનાના આ સમયમાં પણ હજુ આપણે બીનજરૂરી ઘરની બહાર જઈએ છીએ, ટોળામાં ઉભા રહીએ છીએ, જે યોગ્ય નથી. સરકારે આર્થિક વેગ મળે તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ આપણે તેને અનુસરતા નથી. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે, તેની ચેઈન તોડવા માટે આપણે હવે હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ,
મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશથી પ્રતિજ્ઞાબધ્ધ થવા પર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડે ખાસ ભાર મૂકી મહીસાગરવાસીઓને અપીલ પણ કરી છે.
કોરોના કરતાં પણ ઘણા લોકોને સાઈકોલોજીકલી ઘણા વિચારો આવે છે અને તેનો ભય સેવી રહ્યા છે. કોરોના કરતાં પણ તેનો ભય વધુ ખરાબ છે. તેથી જો આપણે કોરોનાને માનસીક રીતે હરાવશું અને આવા ભયને મનમાંથી કાઢી નાખીશું તો આપણને કશું જ નહી થાય. તેમ છતાં પણ જો શરદી, તાવ કે ખાંસી જેવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તુરત જ ટેસ્ટ કરાવવો. ટેસ્ટ કરાવવાથી દૂર ન ભાગીએ. જો કોરોના થયો હશે તો તેની સારવાર પણ છે. સારામાં સારા ડોકટર્સ છે. બધુ જ અત્યારે ઉપલબ્ધ છે. તેથી કોરોનાથી દૂર ન ભાગો, પ્રાથમિક લક્ષણો દેખાય તો તુર્ત જ ડોકટર્સને બતાવો. કોરોનાને આપણે હરાવવો જ છે. કોરોનાથી ડરશો નહી તેનો સામનો કરશો તો આપણે તેની સામે બહું ઝડપથી જીતી મેળવીને ‘‘હારશે કોરોના, જીતશે ગુજરાત’’ને સાર્થક કરી શકીશું.