કોરોનાથી બચવા માટે કોરોના દેવીનું મંદિર બનાવ્યું
૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે
કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ સમગ્ર દેશ સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં આંશિક તો અનેક રાજ્યોમાં પૂર્ણ લૉકડાઉન લાગુ છે. સંક્રમણથી બચવા માટે પ્રોટોકોલનું પાલન તથા વેક્સીનેશનને યોગ્ય પદ્ધતિ માનવામાં આવી રહી છે. એક તરફ જ્યાં વૈજ્ઞાનિક પ્રયાસોથી કોરોના સંક્રમણનું પ્રબંધન અને નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે તો કેટલાક લોકો આસ્થા અને ઇશ્વરીય શક્તિઓના સહારે કોરોનાને મ્હાત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત થોડા દિવસોમાં દેશના અલગ-અલગ હિસ્સાથી કોરોના માતાની પૂજાના અનેક અહેવાલો સામે આવ્યા છે. હવે તાજેતરનો મામલો તમિલનાડુના કોયમ્બતૂરનો છે.
અહીં સ્થિત ઈરૂગુરમાં કમાચીપુરી આદિનામ મંદિરે કોરોના દેવીની મૂર્તિ બનાવી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો ર્નિણય કર્યો છે. મંદિરના મેનેજમેન્ટ મુજબ, આ દેવી લોકોને કોરોનાથી બચાવશે. આદિનામ મંદિર વહીવટદારો પૈકીના એક સિવાલીનેગેસ્વરરે કહ્યું કે પહેલા પણ પ્લેગ જેવી બીમારીઓથી બચવા માટે દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. લોકોને રોગથી બચવા માટેની આ પરંપરા રહી છે.
રાજ્યમાં પહેલા પણ પ્લેગ મારિયામ્ન અને કેટલીક અન્ય દેવીઓની મૂર્તિઓ બની છે. આ મૂર્તિઓ વિશે લોકોનું માનવું છે કે તેનાથી પ્લેગ જેવા રોગથી લોકોનો બચાવ થયો. મંદિર મેનેજમેન્ટ અનુસાર, કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે એવામાં ગ્રેનાઇટથી બનેલી કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોરોનાને લઈને વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. ૪૮ દિવસના મહાયજ્ઞ દરમિયાન સામાન્ય લોકો તેમાં સામેલ નહીં થઈ શકે. મહાયજ્ઞ પૂરો થયા બાદ લોકો મંદિરમા; કોરોના દેવીના દર્શન કરી કરશે.