કોરોનાથી મોત થયેલા પરિવારને વળતર આપવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી
અમદાવાદ : અરજદાર વકીલ નીલ લાખણી દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને તેમાં અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસ વૈશ્વિક મહામારી છે કોરોના વાયરસથી મોત થતા અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે. કોરોના વાયરસથી રાજય સહિત દેશભરમાં અનેક લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોના મોત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા કોરોનાને મહામારી જાહેર કરી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં પ્રભાવિત થયેલા પીડિતોને વળતર આપવાની જોગવાઈ છે જેનું હજુ સુધી પાલન કરવામાં આવ્યું નથી. તેથી વળતર ચૂકવવા લોકપાલની નિમણૂક કરી લોકોને વળતર આપવામાં આવે.
અરજદાર દ્વારા વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ તથા સહાયના જુદા જુદા પેકેજો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ક્યાંય પણ અસરગ્રસ્તોને વળતર આપવાની કોઇ જોગવાઇ કરાઇ નથી તથા મૃત્યુ પામેલાઓને વારસદારોને વળતર અંગે પણ કોઈ જોગવાઈ કરાઈ નથી. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની મૂળભૂત જોગવાઈઓ હેઠળનો પ્લાન ઘડવાનો થાય છે તે કરવા માટે તો સંબંધિત ઓથોરિટી કાનૂની રીતે બંધાયેલી છે પરંતુ હજુ સુધી કોઈ પ્લાન ઘડવામાં આવ્યો નથી તેથી તાત્કાલિક પ્લાન ઘડી કાઢી અને તાકીદે અમલ શરૂ કરાવો અને યોગ્ય ઓથોરિટીને તેના માટે ડાયરેક્શન આપવું તે જરૂરી બને છે તેવી હાઈકોર્ટ પાસે દાદ માગવામાં આવી છે.