Western Times News

Gujarati News

કોરોનાથી રક્ષા મેળવવા આસાન અને સરળ ઉપાય છે – SMS  સૂત્રનું પાલન કરીએ

S -સોશીયલ ડિસ્ટન્સીંગ, M –માસ્ક, S -સેનીટનઈઝેશન

અત્યારે સમગ્ર વિશ્વ કોરોના સંકટનો સામનો કરી રહયું છે. આ વૈશ્વિક મહામારીને અંકુશમાં લેવા આખી દુનિયામાં યુધ્ધના ધોરણે ભગીરથ પ્રયાસો ચાલી રહયાં છે. કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી અને સલામતી જ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોના બહુ જ ચેપી રોગ છે. તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે તેનાથી બચવાનો આસાન અને સરળ ઉપાય છે સાવચેત રહેવું.

કોરોનાના પ્રતિકાર માટે આપણે SMS સૂત્રનું પાલન કરીએ. S સોશીયલ ડિસ્ટન્સીંગ, M –માસ્ક, S સેનીટનઈઝેશન. ઘરેથી બહાર નિકળીએ એટલે માસ્કનો ઉપયોગ જરૂર કરીએ. નાક-મોં ઉપર માસ્ક બાંધવાથી બહારના વાતાવરણમાં રહેલા વાયરસ, બેકટેરીયા કે જીવાણુંઓ શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં. ઘરમાં બે, ત્રણ કે તેથી વધુ માસ્ક રાખીએ તથા બહારથી આવીને સાબુથી તેને સ્વચ્છ રાખીએ તે પણ બહુ જરૂરી છે. હાલના સંવેદનશીલ સમયમાં જેણે માસ્ક નથી બાધ્યું તેવા માણસથી દુર રહેવામાં જ સલામતી છે. માસ્કનો ઉપયોગ કરીએ તે નાક-મોં ઢકાયેલુ રહે તેવી રીતે રાખીએ. આપણે જોઇએ છીએ કે કેટલાંક લોકોના મોં પર માસ્ક  હોય છે. પરંતુ નાક ખુલ્લુ જ હોય છે. આવી રીતે માસ્ક રાખવાનો કોઈ અર્થ જ નથી. નાકનો ભાગ ખુલ્લો હોય તો વાયરસ શ્વાસ સાથે શરીરમાં આસાનીથી પ્રવેશ કરી શકે છે.

કોરોના વાયરસ બહુ જ ચેપી છે. આથી બે વ્યક્તિઓ વચ્ચે સલામત અંતર રાખીએ. હાથ મિલાવવાને બદલે બે હાથ જોડી નમસ્કાર મુદ્રામાં અભિવાદન કરીએ. ત્રીજી મહત્વની બાબત છે. સેનીટાઈઝેશનની. હાથને સ્વચ્છ રાખવા વારંવાર સાબુથી હાથ ધોવાની ટેવ જ પાડીએ અથવા સારા સેનીટાઈઝરનો ઉપયોગ કરીએ. ઘરેથી ઓફીસ કે નોકરી ધંધાના સ્થળે જઈએ આવીએ ત્યારે હાથને સેનેટાઈઝ કરીએ. દિવસમાં વારંવાર હાથને સ્વચ્છ રાખવાની કાળજીથી સલામત રહી શકાય છે. નાક, આંખ કે મોં હાથ વડે વારંવાર સ્પર્શ ના કરીએ.

કોરોના સામે સમગ્ર દેશ અને દુનિયામાં જંગ ચાલી રહયો છે. લોકોની સાવચેતી અને સલામતી રામબાણ ઇલાજ છે. જરૂરી કામ સિવાય બહાર જવાનું ટાળીએ વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીએ. શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબુત બને તેનું ધ્યાન રાખવુ જરૂરી છે. પૌષ્ટિક આહાર પુરતી ઉંઘ અને ટેન્શન મુક્ત રહીએ. બાળકો સલાહ કરતાં આચરણમાંથી જ પ્રેરણા મેળવે છે.

કેટલાંક લોકો માસ્કનો કે સેનીટાઈઝેશનનો ઉપયોગ કરતા નથી. આવા લોકો એવું પણ બોલતા હોય છે કે, આપણને કંઈ ના થાય આવો વહેમ કે અજ્ઞાનથી બીજા લોકો સંકટમાં મુકાઈ શકે છે. એટલે સાવચેતી રાખીએ બહાર નીકળીએ ત્યારે માસ્ક બાધવુ બહુ જ જરૂરી છે. બેદરકાર રહીએ ત્યારે જ મુશ્કેલી ઉભી થાય છે.

કોરોનાનો મક્કમ મુકાબલા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ-સુવિધાઓ કરવામાં આવી છે. કોરોના પોઝીટીવ દર્દીઓની અદ્યતન સારવાર માટે હોસ્પિટલોમાં નિષ્ણાંઓ ડૉકટરો અને તેમની ટીમ કોરોના વોરીયર્સ બનીને રાત-દિવસ સેવાઓ આપનાર ડૉકટરો, પેરામેડીકલ સ્ટાફ સહિત સમગ્ર વહીવટીતંત્રના યોગદાનને બિરદાવીએ.

મારું ગામ, શહેર, મારું ગુજરાત અને મારા મહાન દેશને કોરોના ઝપટથી મુક્ત કરવા આવો આપણે સૌ સક્રિય અને સંકલ્પબધ્ધ બની પરિણામદાયી પ્રયાસો કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.