Western Times News

Gujarati News

કોરોનાથી સ્વાઝિલેન્ડ દેશના વડાપ્રધાનનું નિધન થયું

સ્વાઝિલેન્ડ: કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લાખો લોકોના મૃત્યુ થયા છે પરંતુ સ્વાઝિલેન્ડના વડાપ્રધાન આ જીવલેણ વાયરસનો ભોગ બનનારા પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. સ્વાઝિલેન્ડના વડાપ્રધાન એમ્બ્રોસ ડ્‌લામિનિને બે સપ્તાહ અગાઉ કોરોના થયો હતો અને સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

૫૨ વર્ષીય એમ્બ્રોસને નવેમ્બરમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ તેમણે કહ્યું હતું કે તેમના લક્ષણો ઘણા હળવા છે અને તેમની તબીયત પણ સારી છે. જાેકે, બાદમાં તેમની તબીયત લથડી હતી અને ડિસેમ્બરની શરૂઆતમાં તેમને પાડોશી દેશ સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નાયબ વડાપ્રધાન થેમ્બા માસુકુએ વડાપ્રધાનના નિધનના સમાચાર જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મને તે જાહેરાત કરતા ઘણું દુઃખ થઈ રહ્યું છે કે આપણા દેશના વડાપ્રધાન એમ્બ્રોસ મેન્ડવુલો ડ્‌લામિનિનું નિધન થયું છે.

તેમણે કહ્યું હતું કે સાઉથ આફ્રિકાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૧૯૬૮મા બેકેલ્વેનીમાં જન્મેલા એમ્બ્રોસ પ્રિન્સ માલુન્ગેના પ્રપૌત્ર હતા. તેમણે અમેરિકામાં વર્જિનિયાની હેમ્પટન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ તેમણે ૧૮ વર્ષથી વધુ સમય સુધી બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરી હતી. તેના ત્રણ સંતાનો છે. નવેમ્બર ૨૦૧૮મા વડાપ્રધાન બન્યા તે અગાઉ તેઓ એસ્વાતિનિ નેડબેન્ક લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર હતા. તેમને સરકારી કામકાજનો કોઈ અનુભવ ન હતો અને તેઓ દેશના ઈતિહાસના યંગેસ્ટ વડાપ્રધાન બન્યા હતા.

સ્વાઝિલેન્ડ અત્યંત નાનકડો દેશ છે જેની કુલ વસ્તી ૧.૨ મિલિયન છે. વર્લ્‌ડ બેન્કના જણાવ્યા પ્રમાણે ૨૦૧૬ અને ૨૦૧૭માં દેશની ૩૯ ટકા વસ્તી ગરીબીની રેખાની નીચે હતી. સ્વાઝિલેન્ડમાં ૬,૭૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને ૧૨૭ લોકોના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.