કોરોનાના ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૮ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો
વસ્ત્રાપુરમાં રહેતા મુખ્ય કમીશન એજન્ટે બાંગ્લાદેશથી ઈન્જેકશનો મંગાવી મુળ કિંમત ભુંસી નાંખી હતી
(પ્રતિનિધિ) અમદાવાદ, સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા સ્થાને હતું અને ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતાં દર્દીઓને ગંભીર સ્થિતિમાં તથા રાહત મળે તે માટે ઈન્જેકશનો આપવામાં આવે છે પરંતુ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અમદાવાદ, સુરતના કેટલાક શખ્સોએ આવા ઈન્જેકશનનો સંગ્રહ કરી તેના કાળાબજાર કરવાનું ષડયંત્ર રચ્યુ હતું જેનો પોલીસે પર્દાફાશ કરી મહત્વપૂર્ણ મેળવી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાંચે કુલ ૮ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વિગત એ છે કે આ તમામ ઈન્જેકશનો બાંગ્લાદેશથી આયાત કરી સુરતમાં તેનો સંગ્રહ કરવામાં આવતો હતો અને તેની મૂળ કિંમત ભૂંસી કાળાબજારમાં વેચવામાં આવતા હતાં.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહયો છે ખાસ કરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહયા છે. હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને રેમડેસીવીર ઈન્જેકશન આપવામાં આવી રહયા છે કોરોનાના દર્દીઓને આ ઈન્જેકશન આપવામાં આવતા તેની પરિસ્થિતિમાં સુધારો થઈ રહયો છે અને તેનું પરિણામ પણ સારૂ આવવા લાગ્યું છે આ ઈન્જેકશન માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.
બજારમાં આ ઈન્જેકશનોની અછત જાેવા મળતા સરકારી તંત્ર ચોંકી ઉઠયું હતું સૌ પ્રથમ તપાસ કરતા નકલી ઈન્જેકશનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો પરંતુ ત્યારબાદ સ્થાનિક પોલીસે તપાસ કરતા અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી હતી.
અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં આ સમગ્ર ષડયંત્રની તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ કપરી બનતા ગઠીયાઓએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. સુરતમાં ઈન્જેકશનની અછત વર્તાય તે માટે અમદાવાદ, સુરતના શખ્સોએ ચેન બનાવી હતી અને ખૂબજ વ્યવસ્થિત રીતે સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો
અમદાવાદ અને સુરતના શખ્સોએ ભેગા થઈ આ ઈન્જેકશનનો જથ્થો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને કમીશન એજન્ટ સહિત આઠ શખ્સોએ આ સમગ્ર ષડયંત્ર રચ્યુ હતું સૌ પ્રથમ આ ટોળકીએ બાંગ્લાદેશમાં રહેતા સાબીર નામના શખ્સનો સંપર્ક સાધ્યો હતો અને તેની પાસેથી આ ઈન્જેકશનો મંગાવવામાં આવ્યા હતાં. વસ્ત્રાપુરમાં રહેતા સંદીપ માથુકિયા મુખ્ય કમીશન એજન્ટ હતો અને તેણે બાંગ્લાદેશથી આ ઈન્જેકશનોનો જથ્થો મંગાવ્યા બાદ તેને સુરતમાં તેના પિતરાઈ ભાઈ યશ ના ઘરે સંતાડયો હતો.
બાંગ્લાદેશથી મોટા જથ્થામાં ઈન્જેકશનો લાવ્યા બાદ આ તમામ ઈન્જેકશનોના લેબલ પર લખવામાં આવેલી મુળ કિંમતો આ શખ્સોએ ભુંસી નાંખી હતી જેના પરિણામે મુળ કિંમત કરતા અનેકગણી વધુ કિંમતે આ ઈન્જેકશનો સુરતમાં વેચવાની શરૂઆત કરવામાં આવી હતી. ઈન્જેકશનો કાળાબજારમાં વેચાતા હોવાની વિગતો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગને મળી હતી જેના આધારે સુરત પોલીસને સાથે રાખી ચોંકાવનારા આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન સમગ્ર ષડયંત્રના તાર અમદાવાદ સુધી લંબાયા હોવાનું બહાર આવતા સરકારી તંત્રએ અમદાવાદ ક્રાઈમબ્રાંચને આ સમગ્ર મામલામાં તપાસ સોંપી હતી.
અગાઉ પકડાયેલા શખ્સોની ઝીણવટભરી પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે વેજલપુરની ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદાર અને કમીશન એજન્ટ સહિત ૮ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ કેટલાક માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે. આરોપીઓની પુછપરછમાં મળેલી વિગતોના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરતા સંડોવાયેલા અન્ય શખ્સોમાં પણ ફફડાટ ફેલાયો છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરવામાં આવતા તેઓએ કબુલ્યુ હતું કે બાંગ્લાદેશથી બે વખત ઈન્જેકશનોનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.